(એજન્સી) નવી દિલ્હી, તા.૯
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જમ્મુ-કશ્મીરના સરહદીય વિસ્તારોમાં ગુરુવારે ૬ પુલોનું ઉદઘાટન કર્યુ છે. આ અવસરે તેમણે કહ્યું કે, પ્રદેશના અંતરિયાળ વિસ્તારોનો વિકાસ રાજ્ય સરકારની મુખ્ય પ્રાથમિકતા રહેશે. સંરક્ષણ મંત્રીએ જમીની સેના પ્રમુખ જનરલ એમ એમ નરવણે, સંરક્ષણ સચિવ અજય કુમાર, સરહદીય માર્ગ સંગઠન (બીઆરઓ)ના મહાનિદેશક લેફ્ટનન્ટ જનરલ હરપાલ સિંહ સહિત અન્યોની હાજરીમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પુલોનું ઉદઘાટન કર્યુ.
સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, ચાર પુલ અખનૂરના અખનૂર-પલ્લાનવાલા માર્ગ પર અને બે પુલ કઠુઆ જિલ્લામાં આવેલા તારનાહ કેનાલ પર બનાવવામાં આવ્યાં છે. આ પુલોના નિર્માણમાં કુલ ૪૩ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. તેનું નિર્માણ સરહદીય માર્ગ સંગઠન (બીઆરઓ) દ્વારા કરવામાં આવ્યું છે. આ પુલોનું ઉદઘાટન એવા સમયે કરવામાં આવ્યું છે, કે જ્યારે પૂર્વીય લદ્દાખમાં ભારત અને ચીનની વચ્ચે સરહદીય વિવાદ ચાલી રહ્યો છે. અધિકારીઓએ કહ્યું કે, જમ્મૂ-કશ્મીરના લોકોને આ પુલ સમર્પિત કરવા પાછળ એક મોટો સંદેશ એ છે કે, દુશ્મનો દ્વારા પ્રતિકૂળ પરિસ્થિતિઓ પેદા કરવામાં આવી હોવા છતાં પણ ભારત સરહદીય વિસ્તારોમાં મહત્વપૂર્ણ માળખાગત વિકાસ ચાલુ રાખશે.
સિંહે સંક્ષિપ્ત સંબોધનમાં કહ્યું કે, “અમારી સરકાર સરહદીય વિસ્તારોમાં માળખાગત વિકાસ ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છે અને તેના માટે જરૂરી સંસાધનો પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. અમારી સરકારની જમ્મૂ-કશ્મીરના વિકાસમાં ખૂબ જ રૂચિ છે.”
તેમણે કહ્યું કે, “જમ્મૂ-કશ્મીરની જનતા અને સૈન્ય દળોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, ઘણાં અન્ય વિકાસ કાર્ય્કાર્મો કરવાની પણ યોજના છે, કે જેની સમય આવ્યે ઘોષણા કરવામાં આવશે. જમ્મૂ કશ્મીરમાં લગભગ ૧૦૦૦ કિમી લાંબા માર્ગો નિર્માણાધીન છે.”