(એજન્સી) કોલકાતા,તા.૨૩
પશ્ચિમ બંગાળમાં વાવાઝોડા અસરગ્રસ્ત કેટલાક વિસ્તારોમાં પ્રદર્શનો બાદ મમતા બેનરજીએ શનિવારે લોકોને અપીલ કરી હતી કે, વહીવટીતંત્ર પાણી અને વિજળીનો પુરવઠો ફરીથી શરૂ કરવા માટે સતત કામ કરી રહ્યું હોવાથી તમે ધીરજ રાખો. તેમણે પોતાની સરકાર વિરૂદ્ધ નકારાત્મક અભિયાનને નકારતા કહ્યું કે, આ રાજનીતિ કરવાનો સમય નથી. મુખ્યમંત્રીએ સતત બીજા દિવસે પણ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરિક્ષણ કર્યું હતું. શુક્રવારે તેઓએ વડાપ્રધાન મોદી સાથે આ વિસ્તારોનું હવાઇ સર્વેક્ષણ કર્યું હતું. મમતાએ જણાવ્યું હતું કે, અમે અત્યાર એકસાથે ચાર પડકારોનો સામનો કરી રહ્યા છીએ જેમાં કોરોના વાયરસ, લોકડાઉન, પરપ્રાંતિય શ્રમિકોનો મુદ્દો અને ચક્રવાતી તોફાનનો સમાવેશ થાય છે. જિલ્લામાં કાકદ્વિપ ખાતે સમીક્ષા બેઠક કર્યા બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે, અમ્ફાન દ્વારા થયેલો વિનાશ રાષ્ટ્રીય આપત્તિ કરતા પણ વધુ છે. તેમણે કહ્યું કે, લોકોએ જમીની વાસ્તવિકતા સમજવી જોઇએ અને સહકાર આપવો જોઇએ. બેઠકમાં તેમણે જિલ્લા વહીવટીતંત્રને આદેશ આપ્યો હતો કે, વિસ્તારોમાં સામાન્ય સ્થિતિ લાવવામાં સ્થાનિક લોકોની મદદ લેવી જોઇએ. જિલ્લા અધિકારી ડો.પી ઉલગનાથન સહિતના સિનિયર અધિકારીઓની હાજરીમાં મમતાએ કહ્યું કે, સ્થાનિક લોકોની મદદ લો. તેઓ ટેકનિકલી તમારી મદદ ના કરી શકે પરંતુ સામાન્ય કામોમાં તમારી મદદ કરી શકે છે. જેમાં ૧૦૦ દિવસ કામની યોજના અને સેલ્ફ હેલ્પ ગ્રૂપના લોકોની પણ મદદ લઇ શકાય છે. તેમણે કહ્યું કે, ઓરિસ્સા સરકારે તોફાન દરમિયાન પડી ગયેલા વૃક્ષોને કાપવાની પ્રક્રિયા માટે કર્મચારીઓ મોકલવા સહમતી દર્શાવી છે. તેમણે જિલ્લા વહીવટીતંત્રને કહ્યું છે કે, લોકો સુધી પીવાના પૂરતા પાણીની સુવિધા કરો અને તેમની ફરિયાદો ના આવવા દો. તમારા જિલ્લાઓમાં ભારે નુકસાન છે. આપણો પડકાર સામાન્ય સ્થિતિ લાવવાનો છે. તમામ લોકોને પીવાનું પાણી મળી રહે તેની ખાતરી કરો. જો જરૂર પડે તો પીવાના પાણીના પાઉચ પહોંચાડવાનું શરૂ કરો. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર પાસે એટલું ભંડોળ નથી પરંતુ તેને તે પ્રમાણે વાપરી શકાય છે. મુખ્યમંત્રીએ એવું પણ કહ્યું કે, જે લોકો તોફાનથી ઘાયલ થયા છે તેમને રાજ્ય સરકાર દરેકને ૨૫૦૦૦ રૂપિયા સહાય કરશે અને રાજ્ય તેમની સારવારનો ખર્ચ ઉપાડશે.