સંરક્ષણ મંત્રાલયના ૭૦૦ જેટલા અધિકારીઓના નવા કાર્યાલયો હવે સેન્ટ્રલ દિલ્હીમાં કસ્તુરબા ગાંધી માર્ગ ખાતે ચાણક્યપુરી નજીક આફ્રિકા એવન્યુ ખાતે ખસેડવામાં આવશે

(એજન્સી) તા.૧૫
દિલ્હીમાં ડેલહાઉસી રોડ નજીક સંરક્ષણ મંત્રાલયની ૭૦૦થી વધુ ઓફિસો મંત્રાલય દ્વારા ખાલી કરવામાં આવી રહી છે કારણ કે આ જગ્યાએ સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના ભાગરૂપે વડાપ્રધાનનું નવું નિવાસસ્થાન અને કાર્યાલય વિકસાવવામાં આવશે. મંત્રાલયના ૭૦૦૦ જેટલા અધિકારીઓની નવી ઓફિસ હવે ચાણક્યપુરી નજીક આફ્રિકા એવન્યુ ખાતે તેમજ મધ્ય દિલ્હીમાં કસ્તુરબા ગાંધી માર્ગ ખાતે ખસેડવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે આ બે સંકુલોનું ઉદ્‌ઘાટન કરશે. મળતી માહિતી અનુસાર સાઉથ બ્લોક નજીક ખાલી કરવામાં આવેલ ૫૦ એકરથી વધુ જગ્યાને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના એક્ઝિક્યુટીવ એન્ક્લેવ તરીકે વિકસાવવામાં આવશે. નવા એક્ઝિક્યુટીવ એન્ક્લેવમાં વડાપ્રધાનના નિવાસસ્થાન ઉપરાંત કેબિનેટ સેક્રેટીએટ અને અન્ય સિનિયર ઓફિસરોના કાર્યાલયો હશે. ડેલહાઉસી રોડની આસપાસના આ તમામ મકાનો આગામી બે મહિનામાં ખાલી કરાવશે અને નવા કાર્યાલયો કાયમી બનશે એવું સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર સંરક્ષણ મંત્રાલયના કાર્યાલયો સાથે સંકળાયેલ ૨૭ જુદી જુદી સંસ્થાઓના ૭૦૦૦ અધિકારીઓ અને સ્ટાફ તેમજ સર્વિસ હેડક્વાર્ટર અને અન્ય અધિનસ્થ કચેરીઓ ખસેડવામાં આવી રહી છે. ચાણક્યપુરીમાં આફ્રિકા એવન્યુ ખાતે સંરક્ષણ મંત્રાલયનું નવું સાત માળનું સંકુલ ઊભું થશે કે જેમાં માત્ર સંરક્ષણ મંત્રાલયના કાર્યાલયોને રાખવામાં આવશે. જો કે સેન્ટ્રલ દિલ્હીમાં અન્ય કાર્યાલય માટે ૮ માળની ઇમારત તૈયાર થશે જેમાં સેન્ટ્રલ સેક્રેટ્રીએટ કોમ્પ્લેક્ષ ખાતે નવી કચેરીઓ કાર્યાન્વિત થાય ત્યાં સુધી પરિવહન ભવન અને શ્રમશક્તિ ભવન વચ્ચે શેર કરવામાં આવશે. નવી ઇમારતોમાં આધુનિક સુવિધાઓ, કનેક્ટિવિટી અને કેન્ટીન, બેંક વગેરે જેવી કલ્યાણકારી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ ઇમારતોના સ્થળ અને તેની જગ્યા એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે જેથી અગાઉ જે વૃક્ષો હયાત છે તેને અસર ન પહોંચે. આ પ્લાનના ભાગરુપે કેજી માર્ગ સંકુલનો ૧૪ જુદી જુદી કચેરીઓ ખસેડવા માટે ઉપયોગ કરાશે કે જેનો બિલ્ટઅપ એરિયા ૪.૫૨ લાખ ચો.ફૂટ હશે. જ્યારે આફ્રિકા એવન્યુ ખાતે ખસેડવામાં આવનાર ૧૩ કચેરીઓનો બિલ્ટઅપ એરિયા ૫.૦૮ લાખ ચો.ફૂટ હશે. આ કાર્યાલય સંકુલો સંરક્ષણ મંત્રાલય દ્વારા પૂરા પાડવામાં આવેલ રૂા.૭૭૫ કરોડના ખર્ચે નિર્માણ પામ્યાં છે.