જામનગર, તા.૨૭
દ્વારકાના રાજપરામાં મામાને ઘેર આવેલી બે પિતરાઈ બહેનો માતા સાથે તળાવે ગયા પછી ન્હાવાની લાલચ ન રોકી શકતા તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. એક સાથે બે તરૂણીના મૃત્યુથી ભારે ગમગીની પ્રસરી છે.
દ્વારકા તાલુકાના રાજ૫રા ગામની સીમમાં આવેલા ઢેસર તળાવમાં રવિવારે મનિષાબેન નાનાભા સુમણીયા (ઉ.વ.૧૩) અને નીશુબેન મિયાઝલભા માણેક (ઉ.વ.૯) નામના બે તરૂણીઓ ન્હાવા માટે પડી હતી.
બંને તરૂણીઓ ન્હાતા-ન્હાતા તળાવમાં ઉંડાણવાળા ભાગ તરફ ચાલ્યા ગયા પછી પાણીમાં ગરક થઈ જતા કાંઠે કપડા ધોઈ રહેલા તેમના માતાએ ચીસો પાડી હતી. દોડી આવેલા કેટલાક વ્યક્તિઓએ તળાવમાં ઝંપલાવી બહાર કાઢવાના પ્રયાસો શરૂ કર્યા હતા. તેમ છતાં બંનેને બચાવી શકાય નથી. બનાવની જાણ થતા દોડી ગયેલા પોલીસ કાફલાએ નાનાભા બાલુભા સુમણીયાનું નિવેદન નોંધ્યું છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ દ્વારકાના દેવપરા ગામમાં રહેતા મનિષાબેન નાનાભા જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે દ્વારકામાં રહેતી પોતાની પિતરાઈ બહેન નીશુ માણેક સાથે રાજપરા ગામમાં મામાના ઘેર આવ્યા હતા. જ્યાં નોમના દિને સાંજે માતા સાથે મનિષા તથા નીશુ ઢેસર તળાવે કપડાં ધોવા સાથે ગયા પછી તળાવમાં હીલોળા લેતા પાણીને જોઈ બંને તરૂણીઓ ન્હાવા પકડી હતી અને મોતની ગોદમાં સરી ગઈ હતી. આ બનાવે ભારે કરૂણતા પ્રસરાવી છે.