(સંવાદદાતા દ્વારા) હિંમતનગર, તા.૩૦
હિંમતનગર તાલુકાના રૂપાલ આઉટ પોસ્ટની હદમાં આવેલ રાજપુર ગામે રહેતા એક ઈસમને પકડ વોરંટ આપીને તેમને પકડી લેતા ઉશ્કેરાયેલા આ શખ્સે તથા અન્ય છ જણાએ પોલીસકર્મીને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી રાજપુરના શખ્સના ભગાડી ગયા હતા, જે અંગેની ફરિયાદ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડકોન્સ્ટેબલે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે હેડકોન્સ્ટેબલ બાબુગીરી કૈલાસગીરીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ રવિવારે તેઓ રાજપુર ગામના કનુસિંહ કેશરસિંહ પરમારનું કોર્ટમાંથી આવેલો પકડવોરંટની બજવણી કરવા બપોરે ૧ઃ૩૦ વાગ્યે ગયા હતા. દરમિયાન આ સમયે કનુસિંહ પરમાર ઘરે જ હતા, જે અંગે બાબુગીરીએ તેમના પત્ની હિનાબેન તથા દીકરા જસપાલ અને પ્રદીપ સહિત પાડોશમાં રહેતા કનુસિંહના કાકા અમૃતસિંહને ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં હાજર સમજાવ્યા હતા. જેથી પોલીસે તેમને તરત જ પકડ વોરંટની બજવણી કરી હતી અને તેમને પકડી લેતા કનુસિંહ બળજબરીપૂર્વક બૂમાબૂમ કરવા લાગ્યા હતા, જેથી તેમના પત્ની, બે દીકરા, બે કાકા તથા ગલ્લા ઉપર બેસતા રાકેશસિંહે એક સંપ થઈ આવીને ભેગા થઈ ગયા હતા, જ્યાં કનુસિંહ આવેલા બધાને ઉશ્કેરીને એવું કહ્યું હતું કે, પોલીસની વર્ધીમાં આવેલ બાબુગીરી, લોકરક્ષક મહેશભાઈ રાણાભાઈ તથા અતુલસિંહ મહેન્દ્રસિંહ સહિત ધવલભાઈ બાબાભાઈને એવું કહ્યું હતું કે, આ પોલીસવાળાઓને પાછા જીવતા જવા દેવાના નથી. તેમ કહેતા ભેગા થયેલા બધા લોકોએ કનકસિંહને છોડાવી લઈ પોલીસ પર ઝપાઝપી કરી હુમલો કર્યો હતો અને ગડદાપાટુનો માર મારી એવું કહ્યું હતું કે, તમે પોલીસવાળા અમારા ઘરે વારંવાર આવો છો, પરંતુ આજે તો તમને પતાવી દેવાના છે. ત્યારબાદ બાબુગીરીએ પોલીસની કામગીરીમાં રૂકાવટ કરવા બદલ રાજપુરના કનુસિંહ કેશરીસિંહ પરમાર, જશપાલ કનુસિંહ કનુસિંહ પરમાર, પ્રદીપસિંહ કનુસિંહ પરમાર, હિનાબેન પરમાર, અમૃતસિંહ પરમાર તથા રાકેશસિંહ પરમાર વિરૂદ્ધ રવિવારે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.