(એજન્સી) કોલકાતા,તા.૧૪
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે ટિ્‌વટર પર જણાવ્યું કે, રાજ્યનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ રાજભવન સાથેનું લોકડાઉન ખતમ કરવું જોઇએ. રાજ્યપાલે લોકડાઉન ધીમે-ધીમે હળવું કરવા સામે કેન્દ્રની ચેતવણી પર ધ્યાન આપવાની રાજ્ય સરકારને અરજ કરી છે અને જણાવ્યું કે કોઇ પણ ભૂલ બદલ અધિકારીઓને જવાબદાર ઠરાવવા જોઇએ. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પશ્ચિમ બંગાળમાં લોકડાઉનનું પાલન કરવામાં ઉદારવાદી વલણ અપનાવવા અંગે ગત સપ્તાહે ચિંતા વ્યક્ત કરી હતી. રાજ્યના સિલિગુડી અને મુર્શિદાબાદમાં લોકડાઉનના કથિત ભંગના અહેવાલોને પગલે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું કડકરીતે પાલન કરવાની ખાતરી કરવા માટે જરૂરી પગલાં ભરવાનું રાજ્ય સરકારને ગૃહ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે. કોવિડ-૧૯ને પહોંચી વળવા માટે ભરવામાં આવી રહેલા પગલાં વિશે સરકાર તેમને વિશ્વાસમાં નહીં લઇ રહી હોવાની વાસ્તવિકતા અંગે ધનખડે અગાઉ ટિ્‌વટર પર નારાજગી કે અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ રાજભવન સાથેનું લોકડાઉન ખતમ કરવું જોઇએ. તેમણે એવું પણ કહ્યું કે રાજ્યના હિતમાં આપણે કોરોના વાયરસ મહામારી સામેની લડાઇ સાથે મળીને લડવી જોઇએ. ગૃહ મંત્રાલયની ચેતવણીઓ સુધારાત્મક અભિગમ તરફ દોરી જશે. અન્ય એક ટિ્‌વટમાં તેમણે રાજ્ય સરકારને રાજકારણ બંધ કરીને ગૃહ મંત્રાલયની ચેતવણીઓને ગંભીર રીતે લેવાની પણ હાકલ કરી છે.