(એજન્સી) નવી દિલ્હી,તા.રપ
સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત દેશભરમાં ભારે વિરોધ અને સુરક્ષાની વચ્ચે રિલીઝ થઈ ગઈ છે. દેશના ઘણા શહેરોમાં કરણીસેના દ્વારા તોડફોડ અને આગચંપી થઈ રહી છે. આમ છતાં પણ લોકો ફિલ્મને જેાવા સિનેમાઘરની તરફ જઈ રહ્યા છે. આની વચ્ચે રાજસ્થાનના કેટલાક લોકો ફિલ્મ જોવા માટે નવી દિલ્હી આવ્યા છે નવી દિલ્હીમાં ડીલાઈટ સિનેમાની સામે ભારે સંખ્યામાં પોલીસ દળ તૈનાત છે. આમ છતાં પણ લોકો ફિલ્મ જોવા પહોંચ્યા છે. સિનેમા ઘરમાં ફિલ્મ જોનારાઓમાં રાજસ્થાનના જયપુરથી પણ લોકો પહોંચ્યા છે. ફિલ્મ જોયા બાદ દર્શકોએ જણાવ્યું હતું કે કરણીસેનાએ દેશને બાનમાં લઈ લીધો છે. એવું કરીને આ લોકો અમારો ફિલ્મ જોવાનો અધિકાર પણ છીનવી રહ્યા છે. અમે ફિલ્મ જરૂર જોઈશું ભલે કોઈપણ રોકી લે. નોંધનીય છે કે હિન્દી, તમીલ અને તેલુગુ ભાષાની સાથે આ ફિલ્મ ૬થી ૭ વાર સ્ક્રીનો પર રિલીઝ થઈ છે.