(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૯
રાજસ્થાનનાં ડુંગરપુર,ઉદેપુર અને બાંસવાડા જિલ્લાનાં પશુપાલક ખેડુતો પાસેથી મધુર ડેરી દ્વારા છેલ્લા એક માસથી દૂધ સ્વિકારવાનું બંધ કરી દેતા ખેડુતોને ભારે આર્થિક નુકશાન થઈ રહ્યું છે,જેનાં વિરોધમાં આજે રાજસ્થાનનાં ત્રણ જિલ્લાનાં દોઢસોથી વધુ ખેડુતોએ આણંદ શહેરમાં ગુજરાત કો.ઓ.મિલ્ક માર્કેટીંગ ફેડરેશનનાં પ્રવેસદ્વાર તેમજ અમુલ ડેરી પાસે ધરણા કરી સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું,જો કે ફેડરેશનનાં ચેરમેનએ રાજસ્થાનનાં ખેડુતોનું દૂધ અમૂલ પેટર્નનાં માપદંડ મુજબ આવતું ના હોઈ ખરીદવાનું બંધ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.
મળતી વિગતો અનુસાર રાજસ્થાનનાં ડુંગરપુર,બાંસવાડા,અને ઉદેપુર જિલ્લાનાં ખેડુતો પાસેથી વર્ષ ૨૦૧૧માં પંચમહાલ જિલ્લા દૂધ ઉત્પાદક સંધ દ્વારા દુધ ખરીદવાનું શરૂ કરવામાં આવ્યું હતું,પરંતુ પંચમહાલ ડેરી દ્વારા યોગ્ય ભાવ આપવામાં નહી આવતા ત્યારબાદ સાબર ડેરીએ દૂધ ખરીદવાનું શરૂ કર્યું હતું અને છેલ્લા બે વર્ષથી મધુર ડેરી દ્વારા સાંગવાડાનાં ગણેસપુરી,ધંબોલા,બડોદા આસપુર,સલુંદર ઉદેપુર,અને ચુનાવાડા ડુંગરપુર સ્થિત પાંચ સીત કેન્દ્રો પર ખેડુતો પાસેથી દુધ ખરીદવાનું શરૂ કરાયું હતું અને દૂધનાં સારા ભાવ આપી તેમજ ખેડુતોને દૂધ ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન આપતા લોકો પશુપાલન તરફ વળ્યા હતા જયારે બે રોજગાર યુવાનો દ્વારા પણ ગાયો ભેંસોનાં તબેલા શરુ કરીને દૂધ ઉત્પાદન શરુ કરવામાં આવ્યું હતું,પરંતુ એક માસ પૂર્વે હોળી ધુળેટી પર્વ દરમિયાન ત્રણ દિવસ દૂધ ખરીદવામાં નહી આવે તેમ કહ્યા બાદ પહેલી માર્ચથી દુધ ખરીદવાનું બંધ કરી દેતા ત્રણ જિલ્લાનાં ૨૫ હજારથી વધુ ખેડુતોનું ૮૦ હજાર લીટર દૂધ પ્રતિદીન બગડી રહ્યું છે,અને ખેડુતોને સસ્તા ભાવે દૂઘ વેચાણ કરવાની ફરજ પડતા ખેડુતોને ભારે આર્થિક નુકશાન થઈ રહ્યું છે.
રાજસ્થાનનાં ખેડુતોનું દૂધ સ્વિકારવાનું બંધ કરાતાં આણંદમાં વિરોધ પ્રદર્શન

Recent Comments