(સંવાદદાતા દ્વારા) મોડાસા, તા.૧૩
રાજસ્થાનમાં કોરોનાના હોટસ્પોટ જાહેર થયેલા કોરોનાથી સંક્રમિત બનેલા ભીલવાડા જિલ્લાના ૬ વેપારીઓ વાહન મારફતે મેઘરજમાં પહોંચતા ભારે હડકંપ મચ્યો હતો. મેઘરજ આરોગ્ય તંત્રને ભીલવાડાના ૬ વેપારીઓ ધંધાના કામકાજ અર્થે આવ્યા હોવાની જાણ થતાં ભારે દોડધામ મચી હતી અને ભીલવાડાના ૭ લોકોની ઓળખ કરી તાબડતોબ જિલ્લા આરોગ્ય તંત્રનો સંપર્ક કરી મોડાસા કોવિડ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં ખસેડી તમામના કોરોનાના રિપોર્ટ કરાવવા તજવીજ હાથ ધરી હતી. અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધી એક પણ કેસ કોરોનાનો મળ્યો નથી. જેના કારણે લોકોએ હાશકારો અનુભવ્યો છે. બીજી બાજુ જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનમાં કોરોનાની મહામારીએ જિલ્લાને અડીને આવેલા વિસ્તારોમાં પગ પેસારો કરતા અરવલ્લી જિલ્લામાં કોરોના વાયરસ ગમે તે ઘડીએ દસ્તક દેતો નવાઈ નહીંનો સંદેહ વ્યક્ત થઈ રહ્યો છે. આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર મેઘરજમાં રાજસ્થાનના લોકો અને ધંધાર્થીઓની અવર-જવર થઈ રહી હોવાની માહિતી મેઘરજ આરોગ્ય તંત્રને થતા સતર્ક બન્યું હતું. રવિવારે રાત્રે રાજસ્થાનના ભીલવાડાના ૬ વેપારીઓ ધંધાર્થે મેઘરજ નગરમાં આવતા આ અંગે મેઘરજ આરોગ્ય વિભાગને જાણ થતાં આરોગ્ય વિભાગ સતર્ક બની ભીલવાડાના ૭ શખ્સોની શોધખોળ હાથ ધરાતા ખાનગી વાહન સાથે મળી આવતા તમામ લોકોને અટકાવી પ્રાથમિક તપાસ હાથ ધરાતા તમામ લોકો ભીલવાડાના હોવાનું જણાવતા આરોગ્ય તંત્રમાં હડકંપ મચ્યો હતો અને ૬ વેપારીઓને તાબડતોબ મોડાસામાં આવેલી કોવિડ હોસ્પિટલમાં તકેદારીના ભાગરૂપે આઈસોલેશન વોર્ડમાં ખસેડી મેડિકલ ચેકઅપ કરી ૬ વ્યક્તિઓના કોરોનાના રિપોર્ટ કરાવવા સેમ્પલ લઈ મોકલી આપવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. પાટણ બનાસકાંઠા જિલ્લાની જેમ રાજસ્થાન રાજ્યને અડીને આવેલ તમામ સરહદો પર ઊંડા ખાડા ખોદી દેવામાં આવે, જેથી રાજસ્થાનમાંથી કોઈપણ વ્યક્તિ પ્રવેશી શકે નહીંની માંગ જાગૃત નાગરિકોમાં પ્રબળ બની છે.