(એજન્સી)
નવી દિલ્હી, તા. ૨૯
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની આગેવાનીમાં કેબિનેટ દ્વારા તૈયાર કરાયેલો પ્રસ્તાવ ફરીવાર રાજ્યપાલે ફગાવી દીધો છે. રાજભવન દ્વારા વિધાનસભાનું સત્ર બોલાવવાને લઈને મોકલવામાં આવેલી ફાઈલ પરત મોલવામાં આવી છે. રાજ્યપાલે કલરાજ મિશ્રએ ત્રીજી વખત વિધાનસભા સત્ર બોલાવવાની ફાઈલ પરત મોકલી છે. તો બીજી બાજુ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજ્યપાલને મળવા રાજભવન પહોંચ્યા હતા. પ્રસ્તાવ પરત મોકલતા રાજભવને જણાવ્યું કે, તેમાં હજુ પણ વિધાનસભામાં વિશ્વાસ મત લેવાનો કોઇ ઉલ્લેખ નથી. રાજસ્થાનમાં રાજકીય ખેંચતાણની વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું છે કે સરકાર પાડવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે પરંતુ અમે મજબૂત છીએ. જેમણે દગો કર્યો છે તેઓ ઈચ્છે તો પાર્ટીમાં પરત આવી શકે છે અને સોનિયા ગાંધીની માંફી માંગી લે. વિધાનસભા સત્ર બોલાવવા માટે રાજ્યપાલની શરતને લઈને ગેહલોતે કહ્યું કે ૨૧ દિવસ હોય કે ૩૧ દિવસ, જીત આપણી થશે. ૭૦ વર્ષમાં પ્રથમ વખત કોઈ ગવર્નરે આ પ્રકારના સવાલ કર્યા છે. તમે સમજી શકો છો કે રાજ્યની સ્થિતિ કઈ તરફ જઈ રહી છે ? રાજસ્થાનમાં રાજકીય ડ્રામાની વચ્ચે વિધાનસભા સત્ર બોલાવવાને લઈને સરકાર અને રાજ્યપાલની વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. પહેલા બે પ્રસ્તાવને ફગાવવામાં આવ્યા પછી મુખ્યમંત્રી અશોક ગેહલોતે મંગળવારે ત્રીજી અરજી રાજભવનમાં મોકલી છે. હવે રાજ્યપાલના જવાબની રાહ જોવાઈ રહી છે. બીજી તરફ બહુજન સમાજવાદી પાર્ટીએ તેમના ૬ ધારાસભ્યોના કોંગ્રેસમાં જોડાવવાની વિરુદ્ધ હાઈકોર્ટ અરજી કરી છે. પાર્ટીના જનરલ સેક્રેટરી સતીશ મિશ્રાએ કોર્ટમાં અરજી દાખલ કરી છે.