(એજન્સી) નવી દિલ્હી, તા.૨૯
વિધાનસભાનો વિશેષ સત્ર બોલાવવાને લઇને રાજસ્થાનના રાજ્યપાલ અને મુખ્યમંત્રી અશોક ગેહલોતની તકરાર વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલે જણાવ્યું છે કે, રાજ્યપાલ એક ખતરનાક ઉદાહરણ રજૂ કરી રહ્યા છે. કલરાજ મિશ્રનું નામ લીધા વિના કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, આપણા ઇતિહાસમાં કદાચ એવું પહેલીવાર જોવા મળી રહ્યું છે કે, એક રાજ્યપાલ ચૂંટાયેલા મુખ્યમંત્રીનો અનુરોધ અને ચર્ચા કરવા છતાં વિધાનસભા સત્ર બોલાવવા માટે ઇચ્છુક નથી. તેમણે ચેતવણી આપી હતી કે, આનાથી બંધારણીય ઘર્ષણ ઊભું થશે અને દેશના ઇતિહાસમાં એક ખોટો દાખલો બેસાડાશે. જો આવો ખતરનાક દાખલો બેસાડાશે તો શું થશે. જો રાષ્ટ્રપતિ કેન્દ્રીય કેબિનેટની ભલામણ છતાં સંસદ સત્ર બોલાવવાનો ઇન્કાર કરે તો શું થશે ? જો આવું થવા દેવાશે તો અરાજકતા પેદા થશે તેમણે સાથે જ રાજસ્થાનના રાજ્યપાલના વલણને લઇ કેન્દ્ર સરકારને ચેતવણી પણ આપી હતી. કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમે પણ સોમવારે જણાવ્યું હતું કે, રાજ્યપાલને આ મામલે કોઇ અધિકાર નથી અને સવાલ એ છે કે, રાજ્યપાલ જે રીતે અનુરોધ ફગાવી રહ્યા છે તે અયોગ્ય અને તેમના વિશેષાધિકારથી અલગ છે. રાજસ્થાન કેબિનેટે મંગળવારે તૈયાર કરેલો મુસદ્દો રાજ્યપાલને મોકલ્યો હતો જેને તેમણે ફરીથી ફગાવી દીધો હતો.