અગાઉ રાજ્યસભા ચૂંટણી બાદ હવે જિલ્લા પંચાયતોમાં આપેલ ટેકો પરત ખેંચી લીધો
કોંગ્રેસ અને ભાજપ બંને સરખા, કોઈને પણ હવે સાથ નહીં : બીટીપી અધ્યક્ષ

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.૧ર
રાજસ્થાનમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજય સંસ્થાઓની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ભારતીય ટ્રાયબલ પાર્ટી (બીટીપી)એ ત્યાં કોંગ્રેસની સરકારને આપેલો ટેકો પરત ખેંચી લેતા તેના જ ભાગરૂપે હવે ગુજરાતમાં પણ તેમણે કોંગ્રેસને આપેલો ટેકો પરત ખેંચી લેવાની જાહેરાત કરી છે. આમ ગુજરાતમાં રાજકીય ભારે નુકસાન સહન કરનાર કોંગ્રેસને વધુ એક ફટકો પડયો છે.
ગુજરાતમાં કોંગ્રેસને સૌરાષ્ટ્રમાં એક પછી એક બે ઝટકા પછી આજે દક્ષિણ ગુજરાતમાં મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટ્રાયબલ પાર્ટીએ રાજસ્થાનમાં કોંગ્રેસની ગેહલોત સરકારને આપેલો ટેકો પરત ખેંચ્યા પછી હવે ગુજરાતમાં પણ ટેકો પરત ખેંચ્યો છે. આ અંગે બીટીપીના અધ્યક્ષ છોટુભાઈ વસાવાએ ટ્‌વીટ કરીને માહિતી આપી છે અને જણાવ્યું છે કે, ગુજરાતમાં ભરુચ અને નર્મદા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ સાથેનું ગઠબંધન ખતમ થઈ ગયું છે. છોટુ વસાવાએ કારણ આપતાં જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં અમારી સાથે દગો થયો છે. એટલા માટે અમે અહીં પણ ગઠબંધન તોડી રહ્યા છીએ. તેમણે આનાથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તકલીફ નહીં પડે તેમ વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે ભાજપ અને કોંગ્રેસ બંને સરખા જ હોવાનું અને ભાજપને પણ તેઓ સાથ નહીં આપે તેમ જણાવ્યું હતું. બીટીપીના બે ધારાસભ્ય રાજકુમાર રોત અને રામપ્રસાદે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના અધ્યક્ષ અને ગુજરાતના ધારાસભ્ય છોટુ વસાવા સમક્ષ સમર્થન પરત લેવાની વાત કરી હતી. આ પછી તેમણે પોતાનું સમર્થન પરત લઇ લીધુ છે. રાજસ્થાનમાં જિલ્લા પંચાયતોની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ બીટીપીએ સમર્થન પરત ખેંચી લીધું હતું. ડુંગરપુરમાં જિલ્લા પંચાયતના સભ્યોની ચૂંટણીમાં બીટીપીને સૌથી વધુ બેઠકો મળી હતી. જોકે કોંગ્રેસ અને ભાજપે હાથ મેળવી લેતા બીટીપીએ ટેકો પરત ખેંચી લીધો છે.