(એજન્સી) જયપુર, તા. ૧૩
રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે સર્જાયેલા અંતરને કારણે નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ દ્વારા બળવો કરાયા બાદ કોંગ્રેસે રાજસ્થાન સરકારમાં બધું બરોબર હોવાનો દાવો કર્યો છે. અશોક ગેહલોતે તમામ ધારાસભ્યોને પોતાના નિવાસે બોલાવીને જીતનો સંકેત આપી દીધો હતો. અશોક ગેહલોતે ૧૦૬ ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો છે પરંતુ સચિન પાયલટે એક દિવસ પહેલા દાવો કર્યો હતો કે, સરકાર લઘુમતીમાં આવી ગઇ છે. આ વખતે કોઇ જોખમ લીધા વિના રાજ્યના મંત્રીઓ સહિત કોંગ્રેસ પોતાના તમામ ધારાસભ્યોને હોટેલમાં ખસેડ્યા છે. આ પગલું ધારાસભ્યોને સચિન પાયલટની છાવણીમાં જવાથી બચાવવા માટે ભરાયું છે. આ સમયે પાર્ટીએ સચિન પાયલટને તમામ દરવાજા ખુલ્લા હોવાનો સંદેશ પણ આપ્યો છે. દરમિયાન સચિન પાયલટે રાહુલ ગાંધી સાથે કોઇ ચર્ચા થઇ હોવાનો ઇન્કાર કર્યો છે જ્યારે અશોક ગેહલોતે પણ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, તેમની સરકાર તોડવાના પ્રયાસો કરનારા સામે આકરા પગલાં લેવાશે.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. જયપુરમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઘરે બોલાવાયેલા તમામ ધારાસભ્યોમાં સચિન પાયલટ સામેલ થયા ન હતા. જ્યારે દિલ્હીથી જયપુર દોડી ગયેલા કોંગ્રેસી નેતાઓએ સચિન પાયલટને પરત ફરવાની અપીલ કરી હતી. પાર્ટીના કાર્યકરો દ્વારા પહેલા ઉતારી દેવાયેલા પોસ્ટરોને પણ જયપુરમાં પરત લગાવી દેવાયા હતા.
૨. કોંગ્રેસની છાવણીમાં પરત ફરવા માટે સચિન પાયલટ તરફથી કોઇ સંકેત ન મળતા રાહુલ ગાંધીના સૂત્રોએ જણાવ્યું હતું કે, બંને નેતાઓને એકબીજાની લાગણી છે અને સન્માન પણ છે અને હંમેશા સીધી વાત કરે છે. કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું છે કે, સચિન પાયલટ ગાંધીઓ સાથે સીધા સંપર્કમાં નથી પરંતુ ભાજપની સાથે ચર્ચા ચાલુ છે.
૩. સચિન પાયલટે પહેલા જણાવ્યું હતું કે, તેમની પાસે ૩૦ ધારાસભ્યો છે પરંતુ કોંગ્રેસે દાવો કર્યો હતો કે, સચિન પાસે ૧૬થી વધુ ધારાસભ્યો નથી. સૂત્રોએ દાવો કર્યો છે કે, પાર્ટી પ્રમુખના બળવાની મદદથી ભાજપ સરકાર તોડી પાડવા માટે સક્રીય છે. ભાજપે દાવો કર્યો છે કે, ગેહલોત સરકાર લઘુમતીમાં છે અને તેમના છ ધારાસભ્યો ઓછા છે.
૪. માર્ચ મહિનામાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી બળવો કરીને ભાજપમાં જતા મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર પડી ગઇ હતી અને ભાજપે ફરીવાર સરકાર રચી હતી.
૫. એવું માનવામાં આવે છે કે, રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદ નકાર્યા બાદથી જ સચિન પાયલટ ભાજપના સંપર્કમાં છે અને ચર્ચા કરી રહ્યા છે.
૬. રાજસ્થાનમાં કોંગ્રેસના બે ટોચના નેતાઓ વચ્ચે મતભેદ રહ્યાના બે વર્ષ બાદ રાજ્યસભા ચૂંટણીઓ પહેલા રાજસ્થાન સરકાર અસ્થિર કરવાના કથિત પ્રયાસની તપાસમાં પૂછપરછ માટે નોટિસ મોકલાયા બાદથી જ સચિન પાયલટ નારાજ હતા તે મુખ્ય કારણ માનવામાં આવે છે. શુક્રવારે ધરપકડ કરાયેલા ભાજપના બે નેતાઓની સાથે ફોન પરની વાતચીતનો આધાર બનાવી પોલીસે સચિન પાયલટને નોટિસ મોકલી હતી.
૭. મુખ્યમંત્રી અશોક ગેહલોતે એમ કહીને બાબતને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો કે, આ સમન્સ મને પણ મોકલાયુું હતું. જોકે, સચિન પાયલટના સૂત્રોએ કહ્યું હતું કે, ગેહલોતને માત્ર દેખાડા માટે સમન્સ પાઠવાયું હતું કારણ કે તેઓ પોતે ગૃહમંત્રી છે.
૮. કોંગ્રેસ પાસે શક્તિ પ્રદર્શન બાદ ૧૦૭ ધારાસભ્યો છે અને અન્ય ૧૦ અપક્ષોનો ટેકો છે. પાંચ અન્ય પક્ષોના ધારાસભ્યોમાં રાષ્ટ્ર્‌યી લોકદલ, સીપીએમ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ ગેહલોતને સમર્થન કર્યું છે. આ ધારાસભ્યોએ ભાજપ પર ૧૫ કરોડ રૂપિયા આપવાની લાલચનો આરોપ મુક્યો છે.
૯. રાજસ્થાનમાં સત્તા મેળવવા માટે ૭૩ ધારાસભ્યોવાળા ભાજપને બહુમતી માટે ૩૪ સભ્યોની જરૂર પડે. એવું પણ માનવામાં આવે છે કે, સચિન પાયલટને કેન્દ્રમાં તેઓ માગે તે મંત્રાલય આપવા માટે ઓફર કરવામાં આવી હતી.
૧૦. રાજકારણમાં ઊંડી ઉતરેલા અશોક ગેહલોતના બે નજીકના મંત્રીઓના ઘરે આવકવેરાના દરોડા પડાયા હતા જેમાં કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, ભાજપની આગેવાનીવાળી કેન્દ્ર સરકાર દ્વારા દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે. આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે, બે નેતાઓના પાંચ સ્થળો પર ટેક્સચોરી મુદ્દે દરોડા પડાયા છે.

સોનિયા ગાંધીના સંદેશ સાથે કોંગ્રેસની સચિન પાયલટને રાહતની ઓફર

રાજસ્થાનમાં સરકાર લઘુમતીમાં આવી ગઇ હોવાનો નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટનો દાવો પોકળ સાબિત થઇ ગયો છે અને મુખ્યમંત્રી અશોક ગેહલોતે પોતાના નિવાસે ૧૦૯ ધારાસભ્યોને ભેગા કરીને સરકાર બચાવી લીધી છે. બીજી તરફ સરકારમાંથી બળવો કરી રહેલા સચિન પાયલટ પાસે માત્ર ૧૦ ધારાસભ્યો હોવાનું જાણવા મળ્યું છે. પાયલટે રવિવારે કહ્યું હતું કે, તેમની પાસે ૩૦ ધારાસભ્યો છે. ઉપરાંત કોંગ્રેસને અપક્ષોનો પણ સાથ છે. જોકે, ભાજપ ખુલ્લેઆમ સચિન પાયલટને પોતાની છાવણીમાં લાવવા મેદાને આવે તો સચિન પાયલટ સાથેના સભ્યોની સંખ્યા વધી શકે છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ જયપુર પહોંચીને કહ્યું હતું કે, સોનિયા ગાંધીએ કહ્યું છે કે કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે. તમામ અંતરોને ઉકેલી લેવાનો વિશ્વાસ વ્યક્ત કરતા સૂરજેવાલાએ કહ્યું કે, દિલ્હી પહોંચેલી પાયલટ સાથે સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધીની મુલાકાત નથી થઇ પરંતુ તેઓ સતત તેમના સંપર્કમાં છે. રાજસ્થાનમાં સરકારને અસ્થિર કરવા માટે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાના ભાજપના પ્રયાસો અંગેના સવાલોનો જવાબ આપવા માટે અશોક ગેહલોતે પોલીસ પૂછપરછના આદેશ આપ્યા બાદ સચિન પાયલટ ગુસ્સે ભરાયા હતા. તપાસની નોટિસ મળ્યા બાદ સચિન પાયલટને પોતાનું અપમાન થયું હોવાનો અહેસાસ થઇ રહ્યો હતો. જોકે, અશોક ગેહલોતે કહ્યું કે, પોલીસ દ્વારા મને પણ પૂછપરછ કરવાની નોટિસ અપાઇ છે.