(એજન્સી) તા.૨૯
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતેના કોરોના વાયરસ વિરૂદ્ધ લડવાના પ્રયાસોની ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભરપૂર પ્રશંસા કરી ચૂક્યા છે. ત્યારે ખુદ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, રાજસ્થાનમાં ૨૦૦૦થી વધુ કોરોના કેસ થઈ ગયા હોય તો પણ કોઇ ચિંતાની વાત નથી. અમારો ઉદ્દેશ્ય જ તમામ કેસોને ડિટેક્ટ કરવાનો છે કે, જેથી કરીને જલદીથી જલદી તેનાથી મુક્તિ મળે અને એક પણ કેસ છૂપાયેલો રહી ન જાય. રાજસ્થાનમાં કોરોના વાયરસના બુધવાર સુધીમાં ૨૩૬૪ કેસ નોંધાઈ ચૂક્યા હતા અને તેમાંથી ૫૧ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. આ આંકડા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયા હતા. આ દરમિયાન અશોક ગેહલોતે એક જાણીતી મીડિયા એજન્સી પીટીઆઈને આપેલા ઈન્ટવ્યૂમાં કહ્યું હતું કે, ભલે રાજ્યમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા હોય પરંતુ તેમાં કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. રાજ્ય સરકાર ઈચ્છે છે કે, કોઈપણ વ્યક્તિ રહી ન જાય. આ દરમિયાન મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસને હરાવવા માટે જે પગલાં ભરવામાં આવ્યા છે તેના વિશે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી. આ દરમિયાન લૉકડાઉન દરમિયાન ફસાયેલા પ્રવાસી મજૂરો, વિદ્યાર્થીઓ મુદ્દે પણ તેમણે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનને કારણે રાજ્યની રેવન્યૂ ઠપ થઇ ચૂકી છે. જો કે, કેન્દ્ર સરકાર દ્વારા હજુ પણ જીએસટી એરિયરની ચૂકવણી કરવાની બાકી છે. તેમણે કહ્યું કે, દેશભરમાં વિશેષ ટ્રેનો દોડાવવી જોઈએ કે, જેથી કરીને જુદા-જુદા રાજ્યોમાં ફસાયેલા પ્રવાસી મજૂરો પણ પોતાના ગંતવ્યો સુધી સરળતાથી પહોંચી શકે.