નવી દિલ્હી, તા.૧૮
ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા અને પંજાબ ક્રિકેટ સંઘ બાદ રાજસ્થાન ક્રિકેટ એસોસિએશને પણ પાકિસ્તાન ક્રિકેટરોની તસ્વીરો પોતાની ગેલેરીમાંથી હટાવી દીધી છે. આરસીએના સવાઈ માન સિંહ ક્રિકેટ સ્ટેડિયમમાં લાગેલી પાકિસ્તાન ક્રિકેટરોની તસ્વીરોને હટાવી દેવામાં આવી છે. મહત્વનું છે કે, પુલવામામાં સીઆરપીએફના જવાનો પર થયેલા આતંકી હુમલાના શહીદોના પરિવાર સાથે એકતા દર્શાવતા એસોસિએશનોએ આ નિર્ણય લીધો છે. આ પહેલા પંજાબ ક્રિકેટ એસોસિએશને મોહાલી ક્રિકેટ સ્ટેડિયમની અંદર લાગેલી પાકિસ્તાન ક્રિકેટરોની તસ્વીર રવિવારે હટાવી દીધી હતી. મોહાલી સ્ટેડિયમમાં વિભિન્ન જગ્યાઓ પર પાકિસ્તાની ક્રિકેટરોની આશરે ૧૫ તસવીરો લાગેલી હતી. જે ક્રિકેટરોની તસ્વીરો હટાવવામાં આવી છે તેમાં પાકિસ્તાનના હાલના વડાપ્રધાન ઈમરાન ખાન પણ સામેલ છે. આ સિવાય અફરીદી, જાવેદ મિયાદાદ અને વસીમ અકરમ સામેલ છે.