(એજન્સી) તા.૨૯
રાજસ્થાનની રાજકીય કટોકટી વધુને વધુ લંબાઇ રહી છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા હાથ ધરવામાં આવેલ કાર્યવાહીને કારણે એવી શંકા ઊભી થઇ છે કે રાજકીય કિન્નાખોરી માટે તપાસ એજન્સીઓનો ઉપયોગ થઇ રહ્યો છે.
મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને તેમના પૂર્વ નાયબ સચિન પાઇલટ વચ્ચે શરૂ થયેલ વિવાદ બાદ એનફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે ગેહલોતના પુત્ર વૈભવના બિઝનેસ પાર્ટનરને ત્યાં મની લોંડરીંગ કેસમાં કાર્યવાહી શરૂ કરી હતી. મુખ્ય પ્રધાનના ભાઇ પણ કહેવાતાં ખાતર નિકાસ કૌભાંડમાં તપાસના દાયરામાં છે. ત્યાર બાદ ગેહલોતે ઓડિયો ટેપ જારી કરી હતી જેમાં ભાજપના કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત સંજય જૈન સાથે વાતચીત કરી રહ્યાં છે જેમાં રાજસ્થાનની શાસક કોંગ્રેસ સરકારને ઊથલાવવાનો ઉલ્લેખ થયેલ છે. તાજેતરમાં રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને એડિશનલ જિલ્લા અને સેશન્સ જજ પવન અગ્રવાલે સંજીવની ક્રેડિટ કોઓપરેટીવ સોસાયટી દ્વારા આચરવામાં આવેલ ચીટફંડ કૌભાંડમાં શેખાવત અને તેમના પરિવારની સામેલગીરીમાં તપાસ કરવાનો આદેશ કર્યો છે. પિટિશનરોએ એવો આક્ષેપ કર્યો છે કે સંજીવની ક્રેડિટ કોઓપરેટીવ સોસાયટીના પ્રથમ એમડી વિક્રમસિંહ અને અન્ય કર્મચારીઓના નામે ફેક લોન વિતરણ દ્વારા રોકાણકારોના પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યાં હતા. આ નાણાં સાથે વિક્રમસિંહ અને તેમના પત્ની વિનોદ કુવરે શેખાવત અને તેમના બે મિત્રોની માલિકીની કંપનીના શેર ખરીદ્યા હતાં. શેખાવત સામે એવો આક્ષેપ થયો છે કે તેમણે રોકાણકારોના નાણાં ઇથોપિયામાં ઇમારતો બાંધવા અને જમીન ખરીદવા માટે કર્યો હતો. આમ હવે કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતનું નામ પણ રાજસ્થાન ચીટફંડ કૌભાંડમાં ચમક્યું છે અને આ રીતે કેન્દ્રીય પ્રધાન પણ રાજસ્થાનની રાજકીય કટોકટી વચ્ચે ફસાયા છે.