(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
આવકવેરા વિભાગે આજે દાગીનાના મોટા કારોબાર સાથે જોડાયેલા એક સમૂહ સામે દરોડા પાડ્યા હતા. કર ચોરી મામલે દિલ્હી, જયપુર સહિત ચાર શહેરોમાં દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, દિલ્હી, જયપુર, મુંબઈ અને કોટામાં આજે સવારે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં પોલીસ અધિકારીઓ સહિત લગભગ ૮૦ આવકવેરા અધિકારીઓ જોડાયા હતા. મોટી રકમની લેવડ દેવડ થઈ હોવાની બાતમી મળ્યા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ રાજસ્થાનમાં અન્ય એક સમૂહ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. અલબત્ત રાજસ્થાનમાં જારી વર્તમાન રાજકીય સંકટ અને આ દરોડા વચ્ચે કોઈ સંબંધ હોવા અંગે અધિકારીઓએ કોઈ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો. જો કે મીડિયા રિપોર્ટ અનુસાર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના નજીકના લોકો પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈએ ટિ્‌વટ કરી જણાવ્યું હતું કે, શક્તિ પ્રદર્શનના દિવસે જ અશોક ગેહલોતના સહયોગીઓ પર આવકવેરાના દરોડા પાડવામાં આવ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, આ પબ્લિક છે બધું જાણે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ રાજસ્થાનમાં રાજકીય સંકટ ચાલી રહ્યું છે ત્યારે દરોડાની આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.