(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.રપ
કોરોનાના કારણે ગઈકાલ રાત્રીથી સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરાતા વિવિધ બાંધકામ સાઈટ અને અન્યત્ર કામ કરતા મજૂરો રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ જવા રવાના થયા છે. ત્યારે મોડાસાના કેટલાક યુવાનો આ મજૂરોને જોઈ જતાં મોહદ્દીસે આઝમ મિશન આ મજૂરોની વ્હારે આવ્યું હતું અને ૧૦૦થી વધારે મજૂરોને છાંયડામાં બેસાડી તેમના માટે ચા, નાસ્તો, પાણી અને જમવાની વ્યવસ્થા કરતાં આ મજૂરો ગદગદીત થઈ ગયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, મોહદ્દીસે આઝમ મિશન મોડાસા દ્વારા અશરફી ટિફિન સર્વિસ ચલાવવામાં આવે છે. જે વર્ષના તમામ દિવસોએ ગરીબો માટે મફતમાં જમવાની વ્યવસ્થા કરે છે. મોડાસાની હોસ્પિટલોમાં રાજસ્થાનના મોટી સંખ્યામાં દર્દીઓ દાખલ હોવાથી જનતા કરફયુના કારણે દર્દી અને તેમના સગાઓને જમવાની તકલીફ ઊભી થઈ હતી. આથી મોહદ્દીસે આઝમ મિશન તરફથી અશરફી ટિફિન સર્વિસ દ્વારા ૩૦૦થી વધુ લોકોને ફૂડ પેકેટ પહોંચાડયા હતા અને ચા-બિસ્કીટની વ્યવસ્થા કરી હતી.
આ જ રીતે આજરોજ લોકડાઉનને કારણે અમદાવાદ અને આસપાસના વિસ્તારમાંથી અસંખ્ય આદિવાસી મજૂરો તેમના વતન જવા પગપાળા રવાના થયા હતા. રસ્તામાં તેમને ૮૦થી ૧૦૦ કિલોમીટર સુધી ભૂખ્યા તરસ્યા રહેવાની ફરજ પડી પરંતુ મોડાસામાં દાખલ થતાં જ આવા ગરીબોની સેવામાં તત્પર મોહદ્દીસે આઝમ મિશનના ખિદમતગારો તેમને જોઈ જતાં તેમને રોકી પૂછપરછ કરી તેમની કહાની સાંભળી હતી આથી તેમનું દિલ દ્રવી ઉઠયું હતું અને તુરત જ અશરફી ટિફિન સર્વિસ મારફત આ બેસહારા લોકોને છાંયડામાં બેસાડી પ્રથમ ચા-નાસ્તાની વ્યવસ્થા કરી તેમને ફૂડ પેકેટ પણ આપ્યા હતા. ઉપરાંત અન્ય મજૂરો પણ અંદરના રસ્તેથી આવ્યા હોવાથી તેમને પણ ચા-નાસ્તો અને ફૂડ પેકેટ પહોંચાડયા હતા. આમ મોહદ્દીસે આઝમ મિશન મોડાસાના અગ્રણીઓ હુઝુર ફાઝિલે બગદાદ સૈયદ મુહમ્મદ હસન અશકરીમિયાંના ઈરશાદ ‘મિશન હો ઔર કોઈ ભૂખા સો જાયે તો મિશન કા મકસદ હાસિલ નહીં’ તેના પર બરાબર અમલ કરી રહ્યા છે.