(એજન્સી) ભરતપુર, તા.૧૬
રાજસ્થાનના ભરતપુર શહેરમાં આવેલ સરકારી હોસ્પિટલમાંથી યુપીના મથુરા જિલ્લાની બે બહેનોએ નવા જન્મેલ બાળકની ઉઠાંતરી કરી હતી. ત્યારબાદ બાળકને ત્રણ દિવસ પછી એક ચિઠ્ઠી અને દૂધની બોટલ સાથે રોડ પર છોડી દીધો હતો.
જે બે બહેનોએ બાળકની ચોરી કરી હતી તે બહેનો શિવાની દેવી અને પ્રિયંકા દેવી તરીકે ઓળખાયા છે. પોલીસે આ બંને બહેનોની ધરપકડ કરી હતી. બંને બહેનો પિતાના પુનઃ લગ્નના ઈરાદાથી માનસિક દબાવમાં હતી. ૧ર વર્ષના ભાઈનાં મોત બાદ પિતાએ પુનઃલગ્ન કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. તેથી બંને બહેનોએ ભરતપુરની હોસ્પિટલમાંથી તાજા જન્મેલા બાળકની ચોરી કરી તેને પિતાને ભેટ આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમ તેમણે પોલીસ સમક્ષ સ્વીકાર્યું હતું. બંને બહેનોએ જાન્યુઆરી-૧૦ના રોજ બાળકની ચોરી કરી હતી. પછી બાળકની ચોરી અંગે અખબારમાં સમાચારો આવ્યા બાદ પકડાઈ જવાનો ડર લાગ્યો. તેમણે ૧૩ જાન્યુઆરીના રોજ રારહ ગામે બાળકને લાવારિશ છોડી દીધો અને એક ચિઠ્ઠી મૂકી હતી.
ભરતપુરના પોલીસ વડા અનિલકુમારે કહ્યું કે, પોલીસે સીસીટીવી કેમેરાના સહારે ચોરની ઓળખ કરી લીધી હતી. બે મહિલાઓ સ્કૂટર પર બાળક ચોરી કરી ભાગી હતી. પાર્કિંગમાં મૂકેલ સ્કૂટરનો નંબર મેળવી પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ આ બંને બહેનોને ઝડપી લીધી હતી. તેમની સામે બાળક ચોરીનો અપરાધ દાખલ કરાયો હતો. મનિષ નામના શખ્સની પત્નીનું બાળક ઉઠાવી લીધું હતું. ત્યારબાદ ફરિયાદ કરાઈ હતી. બંને મહિલાઓએ પિતા લક્ષ્મણસિંગને પુનઃલગ્ન કરતા રોકવા આવી યોજના બનાવી હતી. પુત્રની લાલસા હજુ સમાજમાં પ્રવર્તે છે. બાળકને દત્તક લેવાના પ્રયાસો કરાયા હતા પરંતુ તે શક્ય ન બન્યું.
શિવાની એક શાળામાં શિક્ષિકા છે. જે પરણેલ છે. તેની બહેન પ્રિયંકા પણ પરણેલી છે. જે સ્નાતક છે.