હિંમતનગર/ઈડર, તા.ર
લોકડાઉનને લીધે સાબરકાંઠા જિલ્લામાં આવેલા વિવિધ ઉદ્યોગોમાં તથા ફેક્ટરીઓમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકો છેલ્લા કેટલાક દિવસથી વતન જઈ શક્યા નથી. ત્યારે સરકાર અને વહીવટી તંત્ર દ્વારા આ શ્રમિકોને તેમના વતન મોકલવા માટેનો નિર્ણય લેવાયો છે. ત્યારે શનિવારે હિંમતનગરના ટાઉન હોલમાં પાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા વતન જવા માંગતા ૧૭રથી વધુ શ્રમિકોની દાક્તરી તપાસ કરવામાં આવી હતી અને આ શ્રમિકોને ઓનલાઈન પાસ મળ્યા બાદ તેઓ પોતાના વાહનો લઈને રાજસ્થાન તથા મધ્યપ્રદેશ થઈ શકશે. આ અંગે જિલ્લા આરોગ્ય વિભાગ તથા નગરપાલિકાના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક શ્રમિકો લોકડાઉનને લીધે અત્યારે શેલ્ટર હાઉસોમાં આશ્રય લઈ રહ્યા છે. પરંતુ લોકડાઉનનો સમયગાળો વધતા આ શ્રમિકો વતનમાં જવા માટે અધીરા બને તે સ્વાભાવિક છે જેને લઈને થોડાક દિવસ અગાઉ હિંમતનગરના બાયપાસ રોડ પર આવેલ એક શેલ્ટર હાઉસમાં પરપ્રાંતિય શ્રમિકોએ પોલીસ સાથે ઘર્ષણમાં આવ્યા બાદ મામલો સરકાર સુધી પહોંચ્યો હતો. દરમિયાન સરકારે પણ આ અંગે હકારાત્મક નિર્ણય લઈને પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન મોકલવા માટે બસો તથા ટ્રેનની વિશેષ વ્યવસ્થા કરી છે, તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં રહેતા અંદાજે ર૦૦ પૈકી ૧૭રથી વધુ શ્રમિકોની આરોગ્ય વિભાગે ચકાસણી કર્યા બાદ તેમનામાં કોઈ કોરોનાના લક્ષણો નથી તે મતલબનું પ્રમાણપત્ર આપ્યું હતું. જો કે, હાલના તબક્કે રાજસ્થાન અને મધ્યપ્રદેશના શ્રમિકો તેમના વતન જઈ શકશે અને તે પણ પોતાનું વાહન લઈને જવાનું હોય તો તેમને કોઈ રોકી શકશે નહીં.