(એજન્સી) જયપુર, તા. ૧૪
રાજસ્થાનમાં કોંગ્રેસના આંતરિક કલહ બાદ પાર્ટી નેતૃત્વએ અનેક ફેરફાર કર્યા છે. અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેનો વિવાદ ઉકેલવા માટે ત્રણ સભ્યોની કમિટીની જાહેરાત કરાઇ છે જેમાં વરિષ્ઠ સાંસદ, નેતા અહમદ પટેલ, કેસી વેણુગોપાલ અને અજય માકનને સામેલ કરાયા છે. ઉપરાંત અજય માકનને રાજસ્થાનના કોંગ્રેસ પ્રભારી બનાવાયા છે. તેઓ અવિનાશ પાંડેનું સ્થાન લેશે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ પાર્ટીમાં આંતરકલેહ અંગે ત્રણ સભ્યોની કમિટી બનાવી છે જેનાથી રાજ્યમાં બધું યોગ્ય રીતે ચાલી શકે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સચિન પાયલટ અને મુખ્યમંત્રી અશોક ગેહલોત વચ્ચે ચાલતા વિવાદને ઉકેલવા માટે ત્રણ સભ્યોની કમિટી રચવાનો નિર્ણય કરાયો હતો. આ નિર્ણયનું પાયલટ તથા ગેહલોત બંને દ્વારા સ્વાગત કરાયું હતું. રાજસ્થાનમાં કેટલાક સમયપહેલા ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ અને ૧૮ અન્ય ધારાસભ્યોએ મુખ્યમંત્રી ગેહલોત વિરૂદ્ધ મોરચો ખોલ્યો હતો. જેને ધ્યાનમાં રાખી આ નિયુક્તિ કરાઇ છે. પાર્ટી નેતૃત્વએ બળવાખોર ધારાસભ્યો દ્વારા ઉઠાવાયેલા મુદ્દાઓના સમાધાન માટે ત્રણ સભ્યોની કમિટી રચવાનો નિર્ણય કર્યો હતો જેની સોમવારે જાહેરાત કરાઇ હતી.