(એજન્સી) જયપુર, તા. ૨૭
રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રએ શુક્રવારે મુખ્યમંત્રી અશોક ગેહલોતની વિધાનસભા સત્ર બોલાવવાની અપીલને પરત મોકલી દીધી હતી અને કહ્યું હતું કે, તેઓ સૈદ્ધાંતિક રીતે વર્તી રહ્યા છે પરંતુ વિધાનસભા સત્ર બોલાવવાની વિરૂદ્ધમાં નથી. કલરાજ મિશ્રએ ધારાસભ્યોને ત્રણ અઠવાડિયાની નોટિસ આપી છે કે નહીં અને આ દરમિયાન શારરિક ડિસ્ટન્સ જળવાવું જોઇએ. સોમવારે સવારે રાજસ્થાનના સ્પીકર સીપી જોશીએ બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાની તેમની સત્તા અંગેના સુપ્રીમ કોર્ટમાં કરેલ અરજી પરત ખેંચી હતી. તેમણે પરત ખેંચેલી અરજી રાજ્યપાલને માત આપવા માટેનું પગલું હતું જેમાં રાજ્યપાલે તાજેતરમાં વિધાનસભા સત્રને મંજૂરી આપવા માટે કોર્ટ કેસનો હવાલો આપ્યો હતો.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. રાજભવનથી અપાયેલા નિવેદનમાં જણાવાયું હતું કે, રાજ્યપાલની સલાહ છે કે, વિધાનસભા સત્ર માટે ધારાસભ્યોને ૨૧ દિવસની નોટિસ આપવામાં આવે. જો વિશ્વાસ મતની સ્થિતિ આવે તો તેનું લાઇવ પ્રસારણ કરવામાં આવે અને કોરોનાથી બચવા માટે ૨૦૦ ધારાસભ્યો અને ૧૦૦ જેટલા અધિકારીઓના સોશિયલ ડિસ્ટન્સિંગની વ્યવસ્થાનું ધ્યાન રાખવામાં આવે.
૨. રાજ્યપાલ કલરાજ મિશ્રએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે,રાજ્યપાલનો ઇરાદો ક્યારેય એવો નથી કે, વિધાનસભા સત્ર બોલાવવામાં ન આવે. તેમણે પૂછ્યું કે, શું મુખ્યમંત્રી વિશ્વાસમત લેવા માગે છે. શું તમે વિશ્વાસ પ્રસ્તાવ લાવવા માગો છો ? પ્રસ્તાવમાં તેનો ઉલ્લેખ નથી પરંતુ જાહેરમાં અશોક ગેહલોત નિવેદન આપી રહ્યા છે કે, તેઓ વિશ્વાસ મત લેવા માગે છે.
૩. રાજ્યપાલે એમ પણ કહ્યું હતું કે, કોરોના મહામારીને કારણે તમામ ધારાસભ્યોને ટૂંકી નોટિસ પર બોલાવવા મુશ્કેલ હશે, શું તમે ધારાસભ્યોને ૨૧ દિવસની નોટિસ આપવા અંગે વિચારણા કરી શકો છો ?
૪. રાજ્યપાલે વધુમાં પૂછ્યું હતું કે, સત્ર દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કઇ રીતે થશે તેની ખાતરી રાખવી પડશે.
૫. આ પહેલા રાજ્યપાલે ગેહલોતનો પ્રસ્તાવ ફગાવ્યો હતો ત્યારે તેના કારણો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ધ્યાન દોર્યું હતું કે પ્રસ્તાવમાં કોઇ એજન્ડાનો ઉલ્લેખ નથી અને તેમણે એક તારીખ પણ માગી છે.
૬. આ પહેલા અશોક ગેહલોતે રાજ્યપાલ પર નિશાન સાધતા કહ્યું હતું કે, તેમણે બંધારણીય પદની ગરિમા જાળવતા કામ કરવું જોઇએ. એવું ના થાય કે રાજસ્થાનની જનતા રાજભવનનો ઘેરાવ કરે. ત્યારે જવાબદારી અમારી રહેશે નહીં.
૭. મુખ્યમંત્રી ગેહલોતને વિશ્વાસ છે કે, વિશ્વાસ મત લેવામાં આવશે તો સંખ્યા તેમની તરફેણમાં હશે. તેમણે એવું પણ કહ્યું હતું કે, હરિયાણાની હોટેલમાં બંધક બનાવાયેલા પાયલટ ટીમના કેટલાક કોંગ્રેસી ધારાસભ્યો મુક્ત થશે ત્યારે તેમની સરકારને સમર્થન કરશે.
૮. મુખ્યમંત્રીએ પોતાની પાસે ૧૦૨ ધારાસભ્યો હોવાનો દાવો કર્યો છે જ્યારે ૨૦૦ સભ્યોની વિધાનસભામાં ૧૦૧ની બહુમતી જોઇએ. કોંગ્રેસના રણદીપ સૂરજેવાલાએ દાવો કર્યો હતો કે, બળવાખોર કેમ્પમાં રહેલા ત્રણ ધારાસભ્યો આગામી બે દિવસમાં પરત આવી શકે છે.
૯. અશોક ગેહલોત સાથે કેટલાક મહિનાથી વિવાદ ચાલ્યા બાદ સચિન પાયલટે કોંગ્રેસમાં બળવો કર્યો છે. સચિન પાયલટને ડેપ્યુટી મુખ્યમંત્રી પદેથી કાઢી મુકાયા બાદ આ મામલો કોર્ટમાં ગયો હતો.
૧૦. જો પાયલટની ટીમ આ કેસમાં જીત મેળવે તો વિધાનસભામાં મતદાન કરી શકે છે અને ગેહલોત સરકારને મુશ્કેલીમાં મુકી શકે છે. જો તેઓ કોંગ્રેસ પાર્ટી વિરૂદ્ધ મતદાન કરે તો તેઓ ગેરલાયક ઠરાવાય પરંતુ તેમના મતો ગણાશે.