(એજન્સી) તા.૮
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વર્તમાન સાંસદ રાહુલ ગાંધીએ તાજેતરમાં જ કહ્યું હતું કે મોદી સરકાર દ્વારા મીડિયાની સ્વતંત્રતા પર તરાપ મારવામાં આવી રહી છે ત્યારે અશોક ગેહલોતના નેતૃત્વ હેઠળની કોંગ્રેસની રાજસ્થાનની સરકારે આજતકના પત્રકાર શરત કુમાર તથા પૂર્વ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર સચિન પાઈલટના મીડિયા એડવાઈઝર લોકેન્દ્ર સિંહ વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ બંને પર રાજ્યમાં રાજકીય સંકટના સમયે રાજ્ય સરકાર પર ધારાસભ્યોના ફોન ટેપિંગ કરાવવાના આરોપો મૂકી ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપ મૂક્યો હતો. એફઆઈઆર ૧ ઓક્ટોબરે જયપુરના વિધાયક પુરી પોલીસ સ્ટેશને નોંધવામાં આવી હતી. તેમાં જણાવાયું હતું કે આ એફઆઈઆર ફોન ટેપિંગની ફેક ન્યૂઝ ફેલાવવા સંબંધિત છે. ઉલ્લેખનીય છે કે રાજકીય સંકટ વખતે મુખ્યમંત્રીએ તમામ ધારાસભ્યોને જેસલમેરની હોટેલમાં મોકલી દીધા હતા. સ્પેશિયલ ઓફન્સ એન્ડ સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સ્ટેશન હાઉસ ઓફિસર સુરેન્દ્ર પંચોલી દ્વારા આ મામલે તપાસ કરાવવામાં આવી હતી. તેઓ આ મામલે ૨૦ ઓગસ્ટે તેમના મીડિયા એડવાઈઝરનું નિવેદન લેવા પાઈલટના ઘરે પણ પહોંચ્યા હતા. એ પણ ત્યારે જ્યારે ગેહલોત સરકારે ધારાસભામાં વિશ્વાસ મત જીતી લીધો હતો. સિંહને હવે પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યું છે. તેમને સાથે મોબાઇલ ફોન અને કમ્પ્યુટર લાવવા કહેવાયું છે. એફઆઈઆરમાં સેક્શન ૫૦૫(૧)અને (૨), ૧૨૦(બી), સેક્શન ૭૬ એક્ટ હેઠળ ફરિયાદો નોંધવામાં આવી છે. જોકે હવે એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે ફરીવાર રાજસ્થાનમાં રાજકીય સંકટ ઘેરાઈ શકે છે.