વડોદરા,તા.૧૧
કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે ત્યારે બીજી તરફ શુક્રવારે રાત્રે ૯ઃ૧પ વાગ્યાની આસપાસ પાણીગેટ વિસ્તારમાં આવેલા રાજારાણી તળાવ પાસે બે જૂથ વચ્ચે પથ્થરમારાનો બનાવ બનતાં પોલીસ તંત્રને દોડધામ કરવી પડી હતી. જોકે પોલીસ વિભાગે ગણતરીના સમયમાં તોફાની તત્વો પર કાબૂ મેળવી, પાંચ જેટલાં શખ્સો સામે કાર્યવાહી કરી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળે છે.આજરોજ કોરોના સંક્રમણને અટકાવવા ચાર ઝોનની નવી વ્યૂહ રચના અમલમાં કરવામાં આવી છે. જેના ભાગરૂપે પાણીગેટ વિસ્તારના રાજા રાણી તળાવ પાસે આવેલાં ઓરેન્જ ઝોનના વિસ્તારના રસ્તાઓ પર પતરાં મારવાની કામગીરી હાથ ધરાઈ હતી. દરમ્યાનમાં બે જૂથ સામસામે આવી ગયા હતા અને રાત્રે ૯ઃ૧પના અરસામાં અચાનક સામસામે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. બનાવને પગલે ઉચ્ચ અધિકારીઓ સહિતનું પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું હતું અને ઘટનાસ્થળે પહોંચીને પોલીસે મામલો થાળે પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.