(એજન્સી) તા.ર૦
દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાજીન્દર સચ્ચરનું શુક્રવારે ૯૪ વર્ષની વયે નિધન થઈ ગયું હતું. સચ્ચર એક આગળ પડતા માનવાધિકાર કાર્યકર હતા અને તેમણે દેશમાં મુસ્લિમોની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સ્થિતિ પર અહેવાલ તૈયાર કર્યો હતો જે સચ્ચર કમિટી રિપોર્ટ તરીકે જાણીતું છે. આ અહેવાલમાં તેમણે ભારતમાં મુસ્લિમ સમુદાયને વેઠવી પડતી મુશ્કેલીઓ અને આ મુશ્કેલીઓના સમાધાન માટેના ઉપાયો જણાવ્યા હતા. આ રિપોર્ટ પ્રમાણે ભારતમાં મુસ્લિમોની સ્થિતિ અનુસૂચિત જાતિ/જનજાતિ કરતાં પણ વધારે ખરાબ છે. જસ્ટિસ રાજીન્દર સચ્ચરે તેમની ન્યાયિક કારકિર્દી ૧૯પ૦માં શીમલામાં એક વકીલ તરીકે શરૂ કરી હતી. ત્યારબાદ તેમણે સુપ્રીમકોર્ટમાં સિવિલ, ક્રિમિનલ અને મહેસૂલ સંબંધિત કેસોમાં પ્રેક્ટિસ કરી હતી. વર્ષ ૧૯૭રમાં રાજીન્દર સચ્ચરને ર વર્ષ માટે દિલ્હી હાઈકોર્ટમાં એડિશનલ જજ તરીકે નીમવામાં આવ્યા. તેમણે રાજસ્થાન હાઈકોર્ટના જજ તેમજ સિક્કીમ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે કામગીરી ભજવી. જસ્ટિસ સચ્ચર તેમના ન્યાયિક કાર્યકાળ દરમિયાન સામાજિક મુદ્દાઓમાં પણ ઘણા સક્રિય હતા. ૧૯૯૦માં રિપોર્ટ ઓન કાશ્મીર સિયુએશનના કારણે પણ તેઓ ચર્ચામાં રહ્યા હતા. તેઓ પૂર્વ મુખ્ય ન્યાયાધીશ અઝીઝ મુશાબેર અહમદી દ્વારા માનવાધિકારના મુદ્દાઓ પર બનાવવામાં આવેલી સલાહકાર સમિતિના પણ સભ્ય હતા જેણે વર્ષ ર૦૦૦માં આપેલા તેના રિપોર્ટમાં રાષ્ટ્રીય માનવાધિકાર પંચમાં મોટાપાયે ફેરફારોનું સૂચન કર્યું હતું. જસ્ટિસ સચ્ચર મહિલા આરક્ષણના પણ સમર્થક હતા. એમનું માનવું હતું કે, મહિલાઓને સંસદમાં આરક્ષણ આપવાથી કાયદાકીય બાબતોમાં લૈગિંગ ભેદભાવનો અંત આવી શકે છે. વર્ષ ર૦૦૩માં જસ્ટિસ સચ્ચર અને સુપ્રીમકોર્ટના વકીલ પ્રશાંત ભૂષણે અમેરિકાએ ઈરાક પર કરેલા હુમલાની નિંદા કરી હતી. માનવાધિકાર ક્ષેત્રે તેમણે આપેલું યોગદાન નોંધનીય છે. દેશમાં મુસ્લિમોની સ્થિતિ વિશે તેમની કમિટીએ આપેલા ૪૦૩ પાનાના રિપોર્ટને કારણે તે સૌથી વધારે જાણીતા છે.
રાજિન્દર સચ્ચર : ભારતના મુસ્લિમોની સ્થિતિ દર્શાવતા સચ્ચર કમિટીના અહેવાલ પાછળ રહેલા કર્મશીલ

Recent Comments