(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૦
શહેરનાં પૂરગ્રસ્ત ગોરવા વિસ્તારના રાજીવનગર ખાડા વસાહતમાં આજે રાજીવ ગાંધીના જન્મદિવસ નિમિત્તે યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા સાફ-સફાઇ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યકરો દ્વારા સ્લમ વિસ્તારમાં સફાઇ અભિયાન હાથ ધરવામાં આવતા સ્થાનિક રહીશોમાં ખુશીની લાગણી ફેલાઇ જવા પામી હતી.
શહેરમાં આવેલા પૂર બાદ હજુ પણ કેટલાક વિસ્તારોમાં મહાનગરપાલિકા તરફથી જોઇએ તેવી સાફ-સફાઇ કરવામાં આવી નથી. તેમાં પણ કેટલાક સ્લમ વિસ્તારોમાં ગંદકીનાં ઢગલા જોવા મળી રહ્યા છે. આને પગલે રોગચાળો ફેલાઇ તેવી શક્યતા લાગી રહી છે. તેને ધ્યાનમાં લઇ શહેર કોંગ્રેસ પ્રમુખ અસ્ફાક મલીકની આગેવાનીમાં સાજીદશેખ, મનુભાઇ, દિવ્યાંગ બારોટ, ઉમંગ સોલંકી, ઝાહિદભાઇ સહિતના કાર્યકરો દ્વારા આજે રાજીવ ગાંધીના જન્મદિવસ નિમિત્તે શહેરનાં ગોરવા વિસ્તારના રાજીવનગર ખાડા વસાહતમાં સાફ-સફાઇ ઝૂંબેશ કરવામાં આવી હતી. કોંગ્રેસ કાર્યકરો દ્વારા સ્લમ વિસ્તારમાં સફાઇ કર્યા બાદ જંતુનાશક દવાનો પણ છંટકાવ કરવામાં આવ્યો હતો. દિવસ દરમ્યાન કોંગ્રેસી કાર્યકરોએ સખત મહેનત કરી સફાઇ કરીને વિસ્તારને સ્વચ્છ કરતાં સ્થાનિક રહીશોમાં ખુશીની લાગણી ફેલાઇ જવા પામી હતી.