અમરેલી, તા.૧પ
રાજુલા તાલુકાના કુંભારિયા ગામના યુવાનને માથાના ભાગે કોઈ બોથડ પદાર્થ વડે હુમલો કરી હત્યા કરી પુરાવાનો નાશ કરી લાશને કૂવામાં ફેંકી દેવાના બનાવામાં ડુંગર પોલીસમાં મૃતકના ભાઈએ અજાણ્યા શખ્સ સામે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ધમધમાટ શરૂ કરેલ છે. આ બનાવ ગત તા.૧૦/૧૧ના રોજ બનેલ હોવાનું પોલીસ દફતરે જાણવા મળેલ છે.
રાજુલા તાલુકાના કુંભારિયા ગામે રહેતો ભીખા છનાભાઈ સોલંકી (ઉવ-૩૦) નામના યુવાનની ગઈકાલે કુંભારિયા ગામની સીમના કૂવામાંથી લાશ મળી આવી હતી. બનાવ અંગે ડુંગર પોલીસને જાણ કરતા ડુંગર પોલીસે લાશનું પરીક્ષણ કરતા લાશના માથાના ભાગે કોઈ બોથડ પદાર્થ વડે હુમલો કરી તેની હત્યા કરી હત્યારાએ પુરાવાનો નાશ કરવા લાશને કૂવામાં ફેંકી દીધેલ હોવાનું પોલીસ તપાસમાં આવેલ હતું. મૃતક યુવાન ગત તા.૧૦/૧૧/ના રોજ લાપતા થયેલ હતો અને ગુરૂવારે સાંજે તેની લાશ મળી આવી હતી. બનાવ અંગે ડુંગર પોલીસ સ્ટેશનમાં મરનાર ભીખાભાઈના ભાઈ ચેતનભાઈ છનાભાઈ સોલંકીએ તેના ભાઈની કોઈપણ કારણોસર હત્યા કરવા સબબ અજણયા ઈસમ સામે ફરિયાદ નોંધાવેલ હતી. બનાવ અંગે ડુંગર પીએસઆઈ એસ.આર. શર્માએ તપાસ હાથ ધરી છે.