અમરેલી, તા.૨૮
અમરેલી જિલ્લા રાજુલાના વાવેરા રોડ ઉપર વહેલી સવારે કાર ઝાડ સાથે ભટકાતાં કાર ચાલક સહિત ચારનાં ઘટનાસ્થળે મોત નિપજતા અરેરાટી મચી જવા પામી હતી મૃતકો જાત્રા કરી પરત રહ્યા હતા. ત્યારે ઘર આગણે પહોંચતા અકસ્માત થતાં ચારેયનો ભોગ લેવાયો હતો. ચાંદલિયા ડુંગર તરીકે ઓળખાતા મહંત સહિતના મોતથી આ પંથકમાં ગમગીની માહોલ છવાઈ જવા પામ્યો હતો.આ અંગે મળતી વિગતો અનુસાર અમરેલી જિલ્લાના રાજુલા પાસે આવેલ ચાંદલિયા ડુંગર આશ્રમના મહંત નિર્વાણ લવકુશ મુનિ તેમજ બાલાપર ગામના ઉનડબાપુ તેમજ પુંજાભાઈ સોલંકી, રૂડાભાઈ બાંભણિયા તેમજ ઘણા માણસો સહિત હરિદ્વાર ખાતે યાત્રાએ ગયેલ જેમાં ઉપરોક્ત ચારેય જણા આશ્રમના મહંત નિર્વાણ લવકુશ મુનિની કારમાં બેસી ગયેલ હતા. ત્યારે રાજુલાના વાવેરા રોડ ઉપર ચાંદલિયા ડુંગર પાસે પહોંચતા કાર ચલાવી રહેલ નિર્વાણ લવકુશ મુનિએ ઝાડ સાથે ભટકાવી દેતા કારમાં બેસેલ ઉપરોક્ત ઉનડબાપુ તેમજ રૂડાભાઈ, પુંજાભાઈ અને કાર ચલાવતા નિર્વાણ લવકુશ મુનિ સહિત ચારેયના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. બનાવને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી જવા પામેલ છે અને મૃતક કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવેલ છે.