(સંવાદદાતા દ્વારા) અમરેલી તા.૨૫
અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ, ધારી અને ખાંભા સહિતની રેશનિંગની દુકાનોમાં ગેરરીતિ ચાલતી હોવાની ફરિયાદને લઇ જિલ્લા કલેક્ટર દ્વારા જુદી-જુદી ટીમો બનાવી ચેકિંગ હાથ ધરતા રાજુલામાંથી બોગસ પોર્ટલ દ્વારા રેશનિંગ કાર્ડ ધારકોના બોગસ ફિંગર પ્રિન્ટ તેમજ આધાર નંબર દ્વારા અનાજ ઉપાડી લઇ કાળા બજારમાં વેચતા હોવાનું સામે આવ્યું છે. જિલ્લા કલેક્ટરની ટીમ દ્વારા આવી રેશનિંગની દુકાનો સીલ કરી બોગસ પોર્ટલ દ્વારા બનાવેલ સોફટવેર સહીત કોમ્પ્યુટર, લેપટોપ, સીપીયુ, પ્રિટર, પેન ડ્રાઈવ સહિતના ઇલેક્ટ્રોનિક ઉપકારનો કબજે લઇ વધુ તપાસ હાથ ધરી છે અને રાજુલા મામલતદાર દ્વારા ૮ રેશનિંગ સંચાલકો સામે રાજુલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા ચકચાર જાગેલ છે. જિલ્લા કલેકટર ટીમ સાથે જિલ્લા પોલીસ વડાની ટીમે પણ સાથે રહી આ કૌભાંડ પકડેલ હતું. રાજુલામાં ગઈકાલે ચેકિંગમાં ગયેલ ટીમને એક બોગસ સર્વર મળી આવ્યું હતું જેમાં સરકારી પોર્ટલ દ્વારા મળતું અનાજનું બોગસ સોફ્ટવેર દ્વારા મેળવી લેવાનું સામે આવેલ હતું અને આ સોફ્ટવેર દ્વારા જાફરાબાદ તેમજ ખાંભા અને ધારીના રેશનિંગ સંચાલકો દ્વારા રેશનિંગ ધારકોનું અનાજ ઉપાડી લઇ બારોબાર કાળા બજારમાં વહેંચી માર્યું હોવાનું સામે આવ્યું હતું. આ અંગે રાજુલા મામલતદાર એન.એમ.ચૌહાણ દ્વારા રાજુલા જાફરાબાદ અને ધારી ખાંભાના કુલ ૮ રેશનિંગ દુકાન સંચાલકો સામે ફરિયાદ નોંધાવેલ હતી. જેમાં શૈલેષભાઈ લાલજીભાઈ સરવૈયા, વહીવટકર્તા શાંતુબેન લાલજીભાઈ સરવૈયા હસ્તકની વભદ, મુ.રાજુલા, દિ.મ.શેઠ, વભદશ્રી, મુ.નવી વસાહત, ધારી, એન.આર.ચાવડા, મુ.ધારી, એમ.જે.પરમાર, વભદશ્રી, મુ.ટીંબી, તા.જાફરાબાદ, પી.વી.પુરોહિત, મુ.ટીંબી, જાફરાબાદ, હિંમતભાઈ જોગદીયા, મુ.પાટીમાણસા, તા.જાફરાબાદ, અશોકભાઈ કનુભાઈ વાઘેલા, સંચાલક પીઠવાજાળ તરકતળાવ સહકારી મંડળી, મુ.પીઠવાજાળ, તા.અમરેલી, સંચાલક સાઈનાથ સખી મંડળ, મુ.જાળીયા, તા.અમરેલી સામે ફરિયાદ નોંધાવી હતી અને કલેકટર ટીમ દ્વારા રેશનિંગ સંચાલકોની દુકાનોમાંથી મળી આવેલ બોગસ સોફટવેર તેમજ કોમ્યુટર, લેપટોપ, સીપીયુ, પેન ડ્રાઈવ તેમજ જરૂર ઇલેક્ટ્રોનિક ઉપકારનો કબજે લઇ વધુ તપાસ હાથ ધરી છે.
રેશનિંગના અનાજના ચેકિંગમાં ગયેલ કલેક્ટર ટીમ સાથે પોલીસ ટીમો પણ સાથે હોઈ ત્યારે રાજુલા માર્કેટ યાર્ડમાં એક દુકાનમાંથી એક શંકાસ્પદ સર્વર રૂમ મળી આવ્યો હતો. જેમાં ક્રિપ્ટો અને બીટકોઈન જેવો ડિજિટલ કરન્સીનો વ્યવસાય ચલાવતા હોવાની શંકા સેવાઈ રહી છે. જો કે, હજુ સુધી આ મામલે કોઈ ચોક્કસ પુરાવા સામે નથી.