અમરેલી, તા.૧૧
રાજુલાનાં એક વેપારીએ વડગામના એક વ્યાજખોર પાસેથી રૂા. પાંચ લાખ વ્યાજે લીધેલ હતાં. હાલ કોરોનાની મહામારીમાં વેપાર રોજગાર ઠપ થઈ જતાં વેપારી રેગ્યુલર વ્યાજ ચૂકવી શકતો ન હતો. તેથી વ્યાજખોર ત્રણ શખ્સો સાથે તલવાર-ગુપ્તી જેવા ઘાતક હથિયારો સાથે વેપારીની દુકાન-મકાનમાં ઘૂસી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકીની ચકચાર જાગેલ હતી. પ્રાપ્ત વિગત મુજબ રાજુલાનાં વિનોદભાઈ ઉર્ફે શ્રીરામ મગનભાઈ પરમાર નામનાં લુહાર વેપારીને પૈસાની જરૂરિયાત હોવાથી તેમના દીકરા મયુરે વડગામનાં અશ્વિન ખુમાણ નામના શખ્સ પાસેથી રૂા. પાંચ લાખ પાંચ ટકાના વ્યાજે ઉછીના લીધેલ હતા. છેલ્લા બે વર્ષથી રેગ્યુલર વ્યાજ ચૂકવી દેવામાં આવતું હતું. હાલ કોરોના મહામારીમાં પૈસાની સગવડતા ન હોવાના કારણે વ્યાજખોર અવાર-નવાર કડક ઉઘરાણી કરતો હતો. વેપારીએ પૈસાની વ્યવસ્થા થાય એટલે આપી દેવાનું કહ્યું હતું. તેમ છતાં પણ વ્યાજેખોર અશ્વિન અનક ખુમાણ, નિકુંજ અનક ખુમાણ રે.બંને વડ અને વૈભવ ઉર્ફે બંટી માણસૂર રે. રાજુલા વાળા સહિત ત્રણ શખ્સો ગઈકાલે બપોરના વેપારીની દુકાનમાં તલવાર, ગુપ્તી જેવા હથિયારો સાથે ધસી ગયેલ હતા. દુકાનમાં તોડફોડ કરી વેપારીના ઘરમાં ઘૂસી જઈ વેપારી, વેપારીની પત્ની અને પુત્ર ઉપર હુમલો કર્યો હતો. વેપારીની પત્નીને માથાના ભાગે તલવાર મારેલ હતી. જ્યારે વેપારીને હાથના ભાગે ગુપ્તીનો ઘા માર્યો હતો. વેપારીના પુત્ર જનકને પણ બેઝબોલથી મારેલ હતો. વ્યાજ સહિતની રકમ ન આપેે તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ રાજુલા પોલીસમાં નોંધાયેલ હતી. મહિલા પી.એસ.આઈ સેગલિયાએ તપાસ હાથ ધરેલ હતી.