વડોદરા,તા.૮
રાજ્યમાં અમદાવાદ ખાતે સંપૂર્ણ લોકડાઉનનું અમલીકરણ કરાયા બાદ આજે વડોદરા ખાતે અચાનક રાજ્યના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે મુલાકાત લીધી હતી અને ગાજરાવાડી ખાતેના અર્બન હેલ્થ સેન્ટર ખાતે ચાલી રહેલા શાકભાજીના ફેરિયાઓની સ્ક્રિનિંગ પ્રક્રિયા અંગેની માહિતી મેળવી હતી. પંકજકુમારે વડોદરા શહેરમાં કોરોના મ્હાત આપવા તંત્ર દ્વારા લેવાયેલા પગલાઓની સરાહના કરી હતી.
અમદાવાદ ખાતે આગામી દિવસો સુધી સંપૂર્ણ લોકડાઉનનો કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે. તેવા સમયે વડોદરામાં વધતા જતાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે આજે વડોદરાની સ્થિતિની સમિક્ષા કરવા માટે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. વડોદરા ખાતે અવ્યા બાદ સર્કિટ હાઉસ ખાતે તેઓએ જિલ્લા ક્લેક્ટર અને વહીવટી તંત્રના અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી. અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં કોરોનાના વ્યાપને વધતો અટકાવવા માટે તંત્ર લોક સહયોગથી લડાઈ લડી રહ્યું છે ત્યારે શહેરીજનો પણ તંત્રની માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરશે તો આપને ચોક્કસ કોરોના સામેનું યુદ્ધ જીતી શકીશું.
અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે વડોદરા શહેરના વિવિધ અર્બન હેલ્થ સેન્ટરની મુલાકાત લઈને આ સેન્ટર ખાતે ચાલતી આરોગ્ય લક્ષી પ્રવૃત્તિઓની જાણકારી મેળવી હતી. તેમની સાથે વડોદરા માટે નિમાયેલા ખાસ ફરજ પરના અધિકારી વિનોદ રાવ, મ્યુનિ. કમિશનર નલિન ઉપાધ્યાય, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ક્લેક્ટર શાલિની અગ્રવાલ જોડાયા હતા.
પંકજકુમારે હાઈસ્પીડ રેલ સેન્ટરના કોવિડ કેર સેન્ટરમાં દાખલ દર્દી સાથે પોઝિટિવથી લઈ સારવાર સુધીની વિગતો વીડિયો કોલિંગથી મેળવી હતી. તેમને ૧પ વર્ષના કિશોર સાથે વાત કરી જલ્દી સાજા થવાની શુભકામનાઓ પાઠવી હતી. તેમને ડાયેટ ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થાની જાણકારી મેળવવાની સાથે વીડિયો કોલિંગથી દર્દીઓ સાથે સંવાદ કરી એમના પ્રતિભાવો મેળવવાનું સૂચન કર્યું હતું.