સ્ટાઈપેન્ડમાં વધારા મુદ્દે હડતાળ પર ઊતરનાર ઈન્ટર્ન તબીબો સાથે સુખદ સમાધાન !

જો કે, સરકારે સ્ટાઈપેન્ડમાં વધારો તો ના જ કર્યો : પ્રોત્સાહક ભથ્થું ટર્મ પૂર્ણ થયા સુધી અપાશે

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૯
ગુજરાતના સરકારી કોલેજો તથા જીએમઈઆરએસની કોલેજોના ઈન્ટર્ન તબીબો દ્વારા સ્ટાઈપેન્ડ વધારા મુદ્દે હડતાળ પાડવામાં આવ્યા બાદ સરકારની ખાતરીને પગલે તે સ્થગિત કરવામાં આવી હતી. તેમાં હવે આજે સરકાર તરફથી ઈન્ટર્ન તબીબોના પ્રતિનિધિમંડળ સાથે બેઠક યોજી વિસ્તૃત ચર્ચા કરવામાં આવતા સુખદ સમાધાન થયું હતું. તે બાદ સરકાર તરફથી ઈન્ટર્ન તબીબોને વધારાના મહેનતાણારૂપે રૂા.પાંચ હજાર ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી. સમગ્ર રાજ્યની સરકારી મેડિકલ કોલેજો અને જીએમઇઆરએસ હસ્તકની કોલેજના ઇન્ટર્ન તબીબો દ્વારા શરૂ કરાયેલ હડતાળ સંદર્ભે આજે તબીબી પ્રતિનિધિઓની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્શ કરીને અને ઇન્ટર્ન તબીબોના પ્રતિનિધિ મંડળ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ તબીબોએ હડતાળ પાછી ખેંચી લીધી છે. ના.મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, બે દિવસ પહેલાં આ ઇન્ટર્ન તબીબો સાથે વિગતવાર લંબાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. તે સમયે તેઓને હડતાળ સ્થગિત કરવા અનુરોધ કરાયો હતો અને તેમણે હડતાળ સ્થગિત કરી હતી. તબીબી પ્રતિનિધિ મંડળના સભ્યોની માંગણી અને રજૂઆત સંદર્ભે આજે લંબાણપૂર્વક ચર્ચા કર્યા બાદ આ પ્રશ્નનું સુખદ સમાધાન થયું છે. ઈન્ટર્ન તબીબોને કોરોનાના કપરાકાળમાં કરેલી કામગીરીને ધ્યાને લઇને આ તબીબોને પ્રતિ માસ રૂા.૫૦૦૦નું વધારાનું પ્રોત્સાહક ભથ્થું ચૂકવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. બેઠક બાદ મીડિયાને માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, રાજ્યની સરકારી અને જીએમઈઆરએસ કોલેજના ઈન્ટર્ન તબીબોને હાલ રૂપિયા ૧૩૦૦૦નું સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે છે. તેમાં કોઇ વધારો કરાયો નથી. પ્રોત્સાહક રૂપે આ રૂા.૫૦૦૦નું વધારાનું મહેનતાણું સ્ટાઇપેન્ડ ઉપરાંત ચૂકવવામાં આવશે. જેના લીધે હવે આ ઇન્ટર્ન તબીબોને રૂા.૧૮,૦૦૦ ચૂકવાશે. જેનો અંદાજે ૨૨૦૦ જેટલા તબીબોને લાભ મળશે. આ નિર્ણયને ઇન્ટર્ન તબીબોએ ઉત્સાહપૂર્વક વધાવી લીધો છે. આ પ્રોત્સાહક ભથ્થું એપ્રિલ-૨૦૨૦થી આગામી ફેબ્રુઆરી-૨૦૨૧ દરમિયાન આ તબીબોની ટર્મ પૂરી થાય છે. તેઓને આ લાભ મળશે, તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી.