(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૧
વિકાસના રોલ મોડેલ ગુજરાતમાં નવા-નવા ઉદ્યોગો માટે લાલ-જાજમ પાથરવામાં આવે છે અને વિવિધ પ્રકારના પ્રલોભનો રાહતો આપવા સાથે મોટી-મોટી વાતો કરવામાં આવે છે, ત્યારે રાજ્યમાંના આ ઉદ્યોગો પૈકી ઘણા એવા છે કે, તે કંઈને કઈ મુદે પોતાના લાભ માટે સરકારને ચૂનો લગાવતા રહે છે. આવી જ કંઈક હકીકત સરકારી દફતરેથી જ બહાર આવતા આશ્ચર્ય સાથે ચર્ચા જગાવે છે. રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક હેતુ માટે આ ઉદ્યોગોને અપાતા પાણી પેટે જે દર વસૂલાય છે. તેમાં સરકારને ઉદ્યોગો પાસેથી રૂા.૩ર૧પ.પ૮ કરોડ જેટલી મોટી રકમ વસૂલવાની બાકી બોલે છે. એટલે કે, આટલી માતબર રકમ ઉદ્યોગોએ પાણી વાપર્યા છતાં સરકારને ચૂકવી નથી. રાજ્ય સરકાર દ્વારા દર બે વર્ષે વાયબ્રન્ટ સમિટનું આયોજન કરી નવા-નવા ઉદ્યોગોને આકર્ષવા માટે પ્રયાસો કરવામાં આવે છે અને તેમાં ઉદ્યોગો માટે જમીન-વીજળી સહિતના વિવિધ મુદ્દે રાહત તથા સરળીકરણ સુવિધા વગેરે કરી આપવામાં આવતી હોય છે. એટલે કે રાજ્યમાં ઉદ્યોગો સ્થાપવા માટે સારી તકો હોવાની વાતનો પ્રચાર કરી ઉદ્યોગોને આમંત્રણ અપાય છે અને બીજી તરફ આ ઉદ્યોગોવાળા સરકારને જ નુકસાન પહોંચાડવાના પ્રયાસો કરે તે આશ્ચર્ય જગાડે છે. રાજ્યમાં ચાલતા ઉદ્યોગોને ઔદ્યોગિક હેતુ માટે જળાશયો અને નદીઓમાંથી સરકાર તરફથી પાણી પૂરૂં પાડવામાં આવતું હોય છે અને તે બદલ નિયત દર વસૂલવામાં આવતા હોય છે. રાજ્યના ઉદ્યોગો પૈકી ઘણા ઉદ્યોગો સરકારના પાણીનો ઉપયોગ કરી તેનો ચાર્જ ચૂકવવામાં ઉદાસિનતા દાખવતા હોવાની વિગતો બહાર આવતી રહે છે. જેમાં રાજ્યના આવા ઉદ્યોગો પાસે સરકારને રૂા.૩ર૧પ.પ૮ કરોડની માતબર રકમ વસૂલવાની બાકી હોવાની વિગતો સરકાર તરફથી વિધાનસભાના સત્રમાં પૂછાયેલ પ્રશ્નના જવાબમાં આપવામાં આવી છે. આ વસુલાત પૈકી સૌથી વધુ મહિસાગર જિલ્લાના ઉદ્યોગો પાસેથી રૂા.૧૯૦૧.પ૬ કરોડ વસૂલવાના બાકી છે, તે પછીના ક્રમે સુરતમાં રૂા.પ૪૦.૬૩ કરોડની વસુલાત કરવાની છે. આ ઉદ્યોગોવાળા પાણીના દર પેટે સમયસર નાણાં ભરતા નથી અને નાણાં બાકી રહેતા તે ભરવા ના પડે માટે વિવાદો ઊભા કરીને કેટલાક એકમો કોર્ટ કેસો કરી વર્ષો સુધી પાણીનો ચાર્જ ભરવામાંથી બચવાનો રસ્તો કાઢી લેતા હોવાની વિગતો પણ બહાર આવી છે.