(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.ર૭
એક તરફ ગુજરાતની ભાજપ સરકાર ખેડૂતલક્ષી બજેટના દાવા સાથે ખેડૂતોનું હિત ધરાવતી સરકાર હોવાના દાવા કરે છે તો બીજી તરફ રાજયમાં ખેડૂતોની સ્થિતિ કંઈક જુદી જ જોવા મળે છે. રાજયમાં ખેતી વિષયક વીજ જોડાણ મેળવવા માટે ખેડૂતો દ્વારા કરાયેલી અરજીઓનો ઢગલો ખડકાતો જાય છે અને તેનો અંત આવતો નથી. જે અંગે ખેડૂતોને ધરમ-ધક્કા ખાવા પડતા હોવાની ફરિયાદો ઉઠતી રહે છે ત્યારે ખુદ સરકારી દફતરેથી બહાર આવેલી વિગત મુજબ જ રાજયમાં ૧,૦૬,૬૬૪ ખેતી વિષયક વીજ જોડાણ મેળવવાની ખેડૂતોની અરજીઓ પડતર છે. જેમાં રપ હજારથી વધુ અરજીઓને વર્ષ કરતા વધુ સમય થવા છતાં નિકાલ થયો નથી. વિધાનસભાના બજેટ સત્રમાં વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં સરકારના જ મંત્રીએ આપેલી વિગતોમાં સરકારની કામગીરીની પોલ ખુલી છે. જે મુજબ રાજયના ૩૧ જિલ્લાઓમાં ખેડૂતોની ૧,૦૬,૬૬૪ ખેતી વિષયક જોડાણ મેળવવા માટેની અરજીઓ હજુ પડતર રહેલ છે. જેમાં સૌથી વધુ ૧પ,ર૬૬ પડતર અરજી સાથે બનાસકાંઠા જિલ્લો પ્રથમક્રમે છે. તો બીજા ક્રમે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૯૬૪૪ અરજીઓ પડતર છે. સરકારના જવાબમાં જણાવાયા મુજબ આ પડતર અરજીઓ પૈકી કુલ રપ,ર૬૧ અરજીઓ તો એક વર્ષ કરતા વધુ સમયથી એમને એમ પડતર રહેલ હોઈ આ ખેડૂતો વીજ-જોડાણની રાહમાં ધરમ-ધક્કા ખાઈ રહ્યા છે. આ વિલંબિત અરજીઓમાં પણ સૌથી વધુ અરજી બનાસકાંઠા અને તે પછી દેવભૂમિ દ્વારકા જિલ્લાની જ છે. તો દ્વારકા જિલ્લાની ર૧ર૩ અરજીઓ તો બે વર્ષ કરતા વધુ સમયથી પડતર રહેલ છે.
રાજ્ય સરકાર ખેડૂતોની મોટી મોટી વાતો કરે છે ત્યારે હકીકતમાં રાજ્યના ખેડૂતોને વીજ કનેક્શન આપવામાં નિષ્ફળ ગઈ હોવાનો વિપક્ષ કોંગ્રેસ દ્વારા આજે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. વિધાનસભામાં વિપક્ષના સવાલોના જવાબમાં ભાજપ સરકાર તરફથી ખેડૂતોને વીજ કનેક્શન અંગે માહિતી આપવામાં આવી હતી, જેમાં ચોંકાવનારી માહિતી સામે આવી હતી કે, રાજ્યના ૩૧ જિલ્લામાં ખેડૂતોને ૧,૦૬,૬૬૪ વીજ કનેક્શન આપવાના હજી બાકી બોલે છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠામાં ૧૫ હજારથી વધુ કનેક્શન આપવાના બાકી છે. વિધાનસભા ગૃહમાં આવેલી આ માહિતીને લઇ, વિપક્ષ કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા કે, ભાજપ સરકાર કૃષિ અને ખેડૂત વિરોધી સરકાર છે. રાજયમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજ કનેકશન પૂરા પાડવામાં સરકાર સદંતર નિષ્ફળ ગઇ છે. એટલું જ નહી, ખેડૂતોને ચોવીસ કલાક વીજળી અને વીજકનેકશનના સરકારી દાવાઓને પણ વિપક્ષ કોંગ્રેસે વાહિયાત ગણાવ્યા હતા. રાજયના પડતર અરજીઓમાં પ્રથમ ૧૦ જિલ્લા નીચે મુજબ છે.
જિલ્લો પડતર અરજી
બનાસકાંઠા ૧૫,૨૬૬
દ્વારકા ૯,૬૪૪
સુરેન્દ્રનગર ૫,૭૧૩
અમદાવાદ ૪,૪૪૯
રાજકોટ ૪,૩૧૭
ભાવનગર ૪,૧૦૯
સુરત ૩,૮૬૧
જામનગર ૩,૭૫૦
છોટાઉદેપુર ૩,૦૯૦
નર્મદા ૨,૮૬૬
Recent Comments