(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૪
રાજ્યના ખેડૂતોને તેમના ખરીફ પાક માટે પાણીની કોઈ તંગી ન નડે તેને લઈને રાજ્ય સરકારે તા.૭મી જૂનથી સરદાર સરોવર નર્મદા ડેમમાંથી સિંચાઈનું પાણી આપવાનું નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયથી રાજ્યના ૧૪ લાખ હેક્ટર કરતાં વધુ વિસ્તારના ખેડૂતોને લાભ મળી રહેશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધ દ્વારા ગુજરાતના લાખો ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી તથા ૪ કરોડ કરતા વધુ નાગરિકોને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે. રાજ્યના ખેડૂતોને સિંચાઇની સુવિધા પુરી પાડવા માટે હવે આગામી ખરીફ સીઝન-ચોમાસાની સીઝનના વાવેતર માટે ખેડૂતો તરફથી રાજ્ય સરકારમાં રજુઆત કરવામાં આવી રહી છે ત્યારે નવી સીઝનમાં વાવેતર માટે નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતોને ખરીફ પાક માટે આગામી ૭મી જૂન, રવિવારથી નર્મદાના નીર શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી સમગ્ર નર્મદા કમાન્ડ વિસ્તારના ૧૪ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરતા ખેડૂતો, સુજલામ-સુફલામ યોજના, સૌની યોજના દ્વારા પાણી મેળવી વાવેતર કરતા ખેડૂતો, ફતેહવાડી અને ખારીકટ કેનાલ દ્વારા પાણી મેળવતા ખેડૂતોને વાવેતર માટે પાણી મળી રહેશે. તેમણે ઉમેર્યુ કે, ખરીફ પાકની સીઝન દરમ્યાન રાજ્યના ખેડૂતોને જરૂરિયાત મુજબનું પાણી સિંચાઇ માટે આપવામાં આવનાર છે. છેલ્લા પાંચ વર્ષની સરખામણી એ જોઇએ તો આ વર્ષે અત્યારે સરદાર સરોવર બંધમાં સૌથી વધુ એટલે કે, ૧૨૩.૬૧ મીટરની ઊંચાઇએ ૧.૫૧ મીલીયન એકરફીટ પાણી ઉપલબ્ધ છે. જેનો લાભ આગામી ચોમાસામાં નવું પાણી આવે તે પહેલા ગુજરાતના લાખો ખેડૂતો અને પશુપાલકોને વધુમાં વધુ લાભ મળે તે માટે સરદાર સરોવર નર્મદા નિગમ અને રાજ્ય સરકાર સતત કાર્યશીલ છે.