(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૮
રાજ્યમાં સરકારી ક્ષેત્રની વિવિધ સેવાઓની ભરતી અંગેની કામગીરી કરતાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના જવાબદાર અધિકારીઓ, કર્મચારીઓ વિરૂદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ થતાં સરકારી વર્તુળોમાં વ્યાપક ચર્ચા શરૂ થઈ જવા પામી છે. અનસૂચિત જાતિ સમુદાય માટે તિરસ્કૃત અપમાનિત શબ્દો વાપરવા બદલ આ ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિનસચિવાલય કલાર્કની ભરતીની પ્રક્રિયા હાથ ધરી હતી જે અંગે ગતરોજ લેખિત પરીક્ષા હાથ ધરવામાં આવી હતી. પરીક્ષાના પ્રશ્નપત્રની બુકલેટમાં અનુસૂચિત જાતિ સમુદાય માટે ચોક્કસ તિરસ્કૃત શબ્દો વાપરવામાં આવ્યા હોવાનો આક્ષેપ પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે બ્રિટિશ સરકાર દ્વારા મતાધિકાર આપવા અંગેના પ્રશ્નમાં આવા ચોક્કસ શબ્દોનો ઉપયોગ કરવા ઉપરાંત અનુસૂચિત જાતિ સમુદાયના રાષ્ટ્રીય મહાપુરૂષોના ઈતિહાસને ખોટી રીતે પ્રસિદ્ધ કરી લોકોને ગેરમાર્ગે દોરવા તથા જાતિગત વૈમનસ્ય ઊભું થાય તેવું ગુનાહિત કૃત્ય કર્યું હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. આવા કૃત્ય થકી અનુસૂચિત જાતિ સમુદાયની લાગણી દુભાવતા ગૌણ સેવા પસંદગી મંડળના ફરજ પરના જવાબદાર અધિકારીઓ તથા કર્મચારીઓ વિરૂદ્ધ એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સરકારી અધિકારીઓ વિરૂદ્ધ આ પ્રકારની એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ થતાં સરકારી આલમ સહિતના વર્તુળોમાં ચર્ચા જામી છે.