(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૨૨
રાજયના નવા લોકાયુક્ત તરીકે ગુજરાત હાઇકોર્ટના નિવૃત જજ રાજેશ શુક્લાની નિમણુંક કરાઈ છે. રાજ્યમાં પાંચમા લોકાયુક્ત તરીકે પસંદગી પામેલ ગુજરાત હાઇકોર્ટના નિવૃત જજ રાજેશ શુકલા બીકોમ એલ એલ બી સુધીનો અભ્યાસ કર્યા બાદ વકીલાત શરૂ કરી હતી. તેઓ વર્ષ ૧૯૮૨થી વર્ષ ૧૯૮૪ સુધી રાજ્ય સરકારના સોલિસિટર તરીકે સેવાઓ આપી હતી. રાજ્યના લોકાયુક્તની નિમણૂંક ખાસ્સા વિલંબ બાદ કરાઈ છે.
આ ઉપરાંત તેઓ વર્ષ ૧૯૯૪માં સિટી સિવિલ એને સેસન્સ કોર્ટમાં જજ બન્યા હતા. તેઓ ૨૧ નવેમ્બર ૨૦૦૭ના રોજ ગુજરાત હાઇકોર્ટમાં એડિશનલ જજ બન્યા હતા. વર્ષ ૨૦૦૯માં તેઓ ગુજરાત હાઇકોર્ટમાં જજ બન્યા અને ૨૬ ડિસેમ્બર ૨૦૧૨ના રોજ નિવૃત થયા હતા.
રાજયના પ્રથમ લોકાયુક્ત તરીકે જસ્ટીશ ડી એચ શુકલાની નિમણુંક ૨૬ જુલાઈ૧૯૮૮ના રોજ થઈ હતી. તેમણે ૨૫ જુલાઈ ૧૯૯૩ સુધી ફરજ બજાવી હતી. બીજા લોકાયુક્ત તરીકે જસ્ટીશ આઈ સી ભટ્ટની સરકારે માત્ર ચાર મહિનાના ટૂંકા ગાળામાં ૧૦ નવેમ્બર ૧૯૯૩ના રોજ નિમણૂંક કરી હતી. તેઓ ૯ નવેમ્બર ૧૯૯૮ ના રોજ નિવૃત થયા હતા. ત્રીજા લોકાયુક્ત તરીકે એસ એમ સોનીની ૨૫ નવેમ્બર ૧૯૯૮ ના રોજ નિમણુંક કરી હતી. જેમની મુદત ૨૪ નવેમ્બર ૨૦૦૩ના રોજ પૂર્ણ થતા તેઓ નિવૃત થયા હતા.
ચોથા લોકાયુક્તની નિમણુંકને લઇ ખાસ્સો વિવાદ થવા પામ્યો હતો. ગુજરાતના તત્કાલીન રાજ્યપાલ ડૉ. કમલા બેનિવાલે રિટાયર્ડ જજ આર.એ.મહેતાની લોકાયુક્ત તરીકે નિમણૂંક કરી હતી. જેને લઇને વિવાદ થવા પામ્યો હતો. રાજ્ય સરકારે આ નિમણૂંકને ગેરવ્યાજબી ઠેરવ્યા બાદ સમગ્ર મામલાને ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં લઇ ગઈ હતી. જોકે રાજય સરકારની સુપ્રીમ કોર્ટમાં પીછે હઠ થઈ હતી. સુપ્રીમ કોર્ટે રાજયપાલ દ્વારા કરાયેલ લોકાયુક્તની નિમણુંકને યોગ્ય ઠેરવી હતી. જોકે જસ્ટીશ આર એ મેહતાએ લોકાયુક્તનો ચાર્જ લેવાનું ટાળ્યું હતું. એક દાયકા બાદ રાજય સરકારે જસ્ટિસ ડી પી બુચની લોકાયુક્ત તરીકે નિમણુંક કરી હતી. તેઓએ ૧૧ ડિસેમ્બર ૨૦૧૩થી ૧૦ ડિસેમ્બર ૨૦૧૮ સુધી લોકાયુક્ત તરીકે સેવાઓ આપી હતી. છેલ્લા બે વર્ષ થી રાજયમાં લોકાયુક્ત પદ ખાલી હતું. ત્યારબાદ હવે પાંચમાં લોકાયુક્ત નિમણૂંક કરાઈ છે.