(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૩
રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે શહેરી વિસ્તારોમાં કોવિડ-૧૯ના કેસોની સંખ્યા વધી રહી છે. પરંતુ શહેર બહારના અને ગ્રામ્ય વિસ્તારોમાં પરિસ્થિતિ એકંદરે સારી છે આથી રાજ્ય સરકાર દ્વારા એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઉદ્યોગ એકમોને ૨૫ એપ્રિલથી કન્ટેન્મેન્ટ ઝોનની બહાર કલેક્ટરની મંજૂરીથી શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. ઉપરાંત રાજ્યના એનએફએસએ અન્વયે ૬૬ લાખ પરિવારોને ૨૫મીથી ફરી રાશનનું વિતરણ કરવાની જાહેરાત કરી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઉદ્યોગ એકમો સંદર્ભે એવા દિશાનિર્દેશો આપ્યા છે કે, રાજ્યમાં જે ઉદ્યોગ એકમો નિકાસ-એક્સપોર્ટ કરતા હોય અને જેમની પાસે નિકાસ-એક્સપોર્ટના ઓર્ડર્સ હાથ પર છે તેવા ઉદ્યોગ એકમો આગામી શનિવાર તા.૨૫મી એપ્રિલથી શરૂ કરી શકાશે.
આ નિર્ણયની ભૂમિકા મુખ્યમંત્રીના સચિવે અશ્વિની કુમારે આપી હતી. તેમણે આ અંગે વધુમાં જણાવ્યું કે, આવા એક્સપોર્ટ કરતા ઉદ્યોગ એકમો કે જેની પાસે એક્સપોર્ટના ઓર્ડર પેન્ડીંગ હોય તેવા ઉદ્યોગો મ્યુનિસિપલ લિમિટમાં હોય પરંતુ કન્ટેઇનમેન્ટ વિસ્તાર બહાર કાર્યરત હોય તેમને પણ એકમ પુનઃ શરૂ કરવા પરવાનગી અપાશે.
આ હેતુસર, આવા ઉદ્યોગ એકમોએ સંબંધિત જિલ્લા કલેકટરને અરજી કરીને પરવાનગી મેળવવાની રહેશે તેમજ સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા સહિતના કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની સુરક્ષા-સલામતિની ગાઇડલાઇન્સના નિયમો પણ જાળવવા પડશે.
મુખ્યમંત્રીએ રાજ્યના અંત્યોદય, ગરીબ વર્ગના ૬૬ લાખ પરિવારો જે દ્ગહ્લજીછ અન્વયે દર મહિને સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનોએથી અનાજ મેળવવા પાત્રતા ધરાવે છે તેવા ૬૬ લાખ કાર્ડધારકો-પરિવારોના ૩.૨૫ કરોડ લોકોને આગામી શનિવાર, તા. ૨૫ એપ્રિલ-૨૦૨૦થી વ્યકિતદીઠ ૩.૫૦ કિલો ઘઉં અને ૧.૫૦ કિલો ચોખા વિનામૂલ્યે રાજ્ય સરકાર તરફથી વિતરણ કરાશે. આવા કાર્ડધારકોને ૧૭ હજારથી વધુ સસ્તા અનાજની દુકાનો પરથી આ અનાજ વિતરણ તા.૨૫ થી તા. ૨૯ એપ્રિલ દરમ્યાન કરવામાં આવશે. જે NFSA કાર્ડધારકોના રેશનકાર્ડના છેલ્લા આંકડા ૧ અને ૨ છે તેવા ધારકોને તા. ૨૫ એપ્રિલ શનિવારે, ૩ અને ૪ છેલ્લા આંકડા ધરાવતા કાર્ડધારકોને તા.૨૬ એપ્રિલ રવિવારે, ૫ અને ૬ છેલ્લા અંક ધરાવતા કાર્ડધારકને તા. ૨૭ એપ્રિલ, સોમવારે, ૭ અને ૮ અંક ધારકોને તા.૨૮ એપ્રિલ મંગળવારે તેમજ ૯ અને ૦ છેલ્લો અંક હોય તેવા NFSA કાર્ડધારકો તા.૨૯ એપ્રિલે બુધવારે અનાજ મેળવી શકશે. આ અનાજ વિતરણ દરમ્યાન પણ ભીડભાડ ન થાય તેમજ સોશિયલ ડિસ્ટન્સીંગ નોર્મ્સ જળવાય તેની તકેદારી રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે. મુખ્યમંત્રીના સચિવે ઉમેર્યુ કે, જો આ દિવસો દરમ્યાન કોઇ પણ NFSA કાર્ડધારક પરિવાર અનાજ વિતરણનો લાભ અનિવાર્ય કારણોસર ન મેળવી શકે તો તેવા લાભાર્થીઓ તા. ૩૦ એપ્રિલ ગુરૂવારે પોતાનું અનાજ મેળવી શકશે એવી સૂચનાઓ પણ મુખ્યમંત્રીએ આપી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં નાના-નાના સ્વરોજગાર દ્વારા રોજગારી મેળવતા અને જીવનજરૂરી સેવાઓ સાથે સંકળાયેલા લોકોને રોજગારી મળી રહે તે માટે સ્વરોજગારી સાથે જોડાયેલા પ્લમ્બર, કારપેન્ટર, ઇલેકટ્રીશ્યન, મોટર રિપેરીંગ-ઓટો મિકેનીકને પોતાનું કામકાજ શરૂ કરવા દેવા જિલ્લા કલેકટરોને સૂચનાઓ આપી દેવામાં આવી છે.
રાજ્યના ૬૬ લાખ NFSA કાર્ડધારકોને હાલની વિકટ સ્થિતીમાં આર્થિક સહાય આપવા રૂ. ૧ હજાર આવા લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરાવવાની તા.૨૦ એપ્રિલથી શરૂઆત થઇ છે. આજે ગુરૂવારે રાજ્યના ૮ મહાનગરોના આવા ૧૧.૩૮ લાખ NFSA લાભાર્થીઓના બેંક ખાતામાં રૂા. ૧૧૩ કરોડની રાશિ જમા થઇ છે.