રાજ્યભરમાં કોરોનાના કહેરને લઈ કુલ કેસોનો આંક પહોંચ્યો ૭૦ હજારની નજીક : કોરોનાએ કુલ ર૬ર૯નાં જીવ લીધા

 

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.૮
કોરોના મહામારીનું ગ્રહણ ગુજરાત રાજયને બરોબરનું લાગ્યું છે અને તે નિયંત્રણમાં આવવાનું નામ લેતું નથી. કોરોના વાયરસનો વ્યાપ રાજયભરમાં વધવાની સાથે રોજેરોજ કોરોનાના કેસોમાં પણ વધારો ચિંતાજનક છે. તેમાં પણ રાજયના પાંચથી સાત જિલ્લામાં કોરોનાના વધુ પ્રમાણમાં કેસો હજુ જારી રહેતા તંત્રની દોડધામ વધવા પામેલ છે. બે ત્રણ દિવસના કોરોના કેસોના આંશિક ઘટાડા બાદ રાજયભરમાં આજે ફરીથી વધારો થતા કોરોનાના વધુ નવા ૧૧૦૧ કેસ બહાર આવ્યા છે. જેમાં આજે પણ સૌથી વધુ રર૬ કેસો સાથે સુરત ટોપ પર રહેલ છે જો કે આજે કોરોનાના વધુ કેસોની સામે કોરોનામાંથી સાજા થનારાનો ઉછાળો જારી રહેતા તેટલી જ સંખ્યામાં દર્દીઓ સાજા થયા છે એટલે કે ૧૧૩પ દર્દીઓ કોરોના મુકત થવામાં સફળ રહેલ છે. જયારે કોરોનામાંથી મૃત્યુ પામનારાનો વધુ આંક યથાવત રહેતા ર૪ કલાકમાં વધુ ર૩ વ્યકિતઓના મૃત્યુ નીપજયા છે. રાજયમાં કોરોનાના વધતા કેસોને લઈ કુલ કેસોનો આંક ઝડપથી વધીને ૭૦ હજારની નજીક પહોંચી જવા પામ્યો છે. ભારતમાં કોરોનાના કેસ આજે ૨૦ લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતમાં કોરોનાના કેસ ૭૦ હજારની નજીક પહોંચી ચૂક્યા છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય રાજ્યોની સરખાણીએ સારો છે. તો ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.
રાજ્યમાં આજે કોરોનાના ૧,૧૦૧ કેસ નોંધાતા કુલ આંકડો ૬૯,૯૮૬ પર પહોંચ્યો છે. આજે ૧,૧૦૧ દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ પર,૮ર૭ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. ગુજરાતમાં સાજા થવાનો દર ૭પ ટકાથી ઉપર છે. આ સાથે જ રાજ્યમાં આજે સુરત, અમદાવાદ, વડોદરા, પોરબંદર અને દાહોદમાં કોરોનાના સૌથી દર્દીઓ વધુ સાજા થયા છે. રાજ્યમાં હવે ૧૪,૫૩૦ દર્દીઓ સારવાર હેઠળ છે.
રાજ્યમાં આજે રાહતના સમાચાર એ છે કે, છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૦૧ કેસ નોંધાયા છે જેની સામે ૧૧૩૫ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જેમાં સુરતમાં ૫૪૯, અમદાવાદમાં ૧૨૧, વડોદરામાં ૬૭, પોરબંદરમાં ૬૧, દાહોદમાં ૩૩, વલસાડમાં ૪૮ અને ગાંધીનગરમાં ૪૯ દર્દીઓ સાજા થયા છે. મહત્વનું છે કે, ગઇકાલે(૭ ઓગસ્ટ) ૨૪ કલાકમાં ૧૦૭૪ કેસ નોંધાયા હતા જેની સામે ૧૩૭૦ દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા.
રાજ્યમાં કોરોનાથી છેલ્લા ૨૪ કલાકમાં ૨૩ દર્દીઓના ભોગ લીધો છે. જેને લઇને અત્યાર સુધીમાં રાજ્યમાં ૨,૬૨૯ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. આજના કુલ મૃત્યુ પૈકી સૌથી વધુ ૧૦નાં મોત સુરત જિલ્લામાં થયા છે. તે પછી અમદાવાદમાં પાંચના મૃત્યુ થયા છે. જ્યારે જૂનાગઢ, કચ્છ અને વડોદરા જિલ્લામાં ર-ર વ્યક્તિના તેમજ ગાંધીનગર અને અમરેલી જિલ્લામાં ૧-૧ વ્યક્તિના મૃત્યુ નિપજેલ છે.