અમદાવાદ, તા.ર૭
રાજ્યમાં કોરોનાનો કહેર જારી છે વળી કેસ પણ સતત વધી રહ્યા છે ત્યારે ગુજરાતમાં પાંચ જિલ્લા એવા છે જ્યાં હજુપણ કેસની સંખ્યા બે આંકડામાં નથી પહોંચી જે સારા સમાચાર ગણાવી શકાય એક તરફ અમદાવાદમાં કોરોનાના ઢગલાબંધ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે ત્યારે અમરેલીમાં ૮, ડાંગમાં ર, મોરબીમાં ૩, પોરબંદરમાં ૭ અને તાપીમાં ૬ કેસ છે. અમરેલીમાં તમામ ૮ દર્દીઓ સારવાર હેઠળ છે. ડાંગમાં બે કેસ હતા તે બંને રિકવર થઈ ગયા છે મોરબીમાં ત્રણ કેસમાંથી બે રિકવર થઈ ગયા છે જ્યારે એક વ્યક્તિ સારવાર હેઠળ છે પોરબંદરમાં ૭ કેસમાંથી ૪ રિકવર થઈ ગયા છે. જ્યારે ત્રણ સારવાર હેઠળ છે અને તાપીમાં ૬ કેસમાંથી ર રિકવર હેઠળ છે જ્યારે ૪ સારવાર હેઠળ છે.
બીજી તરફ ગુજરાતમાં ૧૩ જિલ્લા એવા છે જ્યાં હજુ સુધી એકપણ દર્દીનું મોત થયું નથી. આ જિલ્લાઓમાં અમરેલી, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, મોરબી, નર્મદા, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડમાં એકપણ વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થયું નથી. ત્યારે અહીં જો વધુ સાવચેતી રાખવામાં આવે તો કોરોનાને હરાવી શકાય છે.
કોરોના કરતા કોરોનાનો ભય અને લોકોમાં જોવા મળતો ગંભીરતાનો અભાવ અને જાગૃતિનો સદંતર અભાવ કોરોનાના ફેલાવવા માટેના કેટલાક પરિવારો પૈકીના એક છે ત્યારે સામાજિક અંતર સહિતની સાવચેતી કોરોના સામેની જંગમાં ખૂબ ઉપયોગી થઈ શકે છે. વળી જે રીતે પોઝિટિવ દર્દીઓ કોરોનાને મ્હાત આપી રહ્યા છે તે પણ ઘણું અગત્યનું પાસું ગણાવી શકાય.
નોંધનીય છે કે, ગુજરાતમાં ગઈકાલે ૫૦૩ જેટલા દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે ગુજરાતમાં દર્દીઓનો રિકવરી રેટ વધીને ૪૮.૧૩ ટકા થઈ ગયો છે. જે સમગ્ર દેશના ૪૧.૬૦ ટકા રિકવરી રેટની સરખામણીએ વધારે છે ત્યારે કોરોના સામેની જંગમાં વધુ સાવચેતી જ જીત અપાવશે.