(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.રર
રાજ્યના પાલીસ વિભાગમાં તાજેતરમાં જ ઇ.ઇ.સેલના જમાદાર રૂા.પ૦ લાખના તોડમાં પકડાતા ભારે ઉહાપોહ થવા પામ્યો હતો. જેને લઈને હવે રાજ્ય સરકાર ભ્રષ્ટાચાર મુક્ત તંત્ર કાર્યરત કરવા કટિબદ્ધ બની હોય તેમ પોલીસને ફ્રી હેન્ડ કામગીરી કરવા માટેની છૂટ આપવા સાથે રાજ્યભરમાં કાર્યરત આર.આર.સેલને જ બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત પોલીસ વિભાગને ટેકનોલોજીથી વધુ સજ્જ કરવાનો સિલસિલો જારી રાખતા હવે પોલીસ કર્મીઓની વર્ધી પર બોડી કેમેરા લગાવવામાં આવશે.
આજે ગૃહ વિભાગની કામગીરીની વિગતો આપવા માટે યોજાયેલ પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના પોલીસ વિભાગમાં આર.આર.સેલને બંધ કરવાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, પોલીસ વિભાગને હવે ટેકનોલોજીથી વધુ સુસજ્જ કરવામાં આવી રહ્યું છે. ૧૯૯૫થી કાર્યરત આ આર.આર.સેલ બંધ કરીને પોલીસ અધિક્ષકોને વધુ સત્તાઓ આપી મજબૂત કરવાનો અમારો નિર્ધાર છે. પોલીસની ગુનેગારો સાથેની સાંઠગાંઠ ચલાવી લેવાશે નહીં, એ માટે સતત સર્વેલન્સ કરીને યોગ્ય વ્યવસ્થા ઊભી કરાશે. સાયબર ક્રાઈમના નિયંત્રણ માટે રેન્જ વિસ્તારમાં સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત કરી દેવાયા છે અને જિલ્લા મથકોએ વિસ્તારવાનું અમારૂ આયોજન છે, એ જ રીતે ગુનેગારો ગુનો કરીને ભાગી ન જાય એ માટે રાજ્યભરમાં કેમેરાનું નેટવર્ક બીછાવી લીધું છે, જેનું ત્રિ-નેત્ર પ્રોજેક્ટ દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, રાજ્યના પોલીસ અધિકારીઓ અને નાગરિકો સાથે તાલમેલ સધાય અને એ બંને વચ્ચે એક પારદર્શિતા આવે એ માટે પોલીસકર્મીઓની વર્ધી પર બોડી કેમેરા લગાવવાનું પણ અમારૂં આયોજન છે.
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ભષ્ટ્રાચારમુક્ત ગુજરાતના નિર્માણ માટે અમે આગળ વધી રહ્યા છીએ. છઝ્રમ્ને પણ વધુ સુદ્રઢ બનાવાશે જેને ટેકનિકલ અને ફોરેન્સિક સહાયથી વધુ સજ્જ કરાશે.
એન્ટી-કરપ્શન બ્યુરો (એસીબી), ગુજરાતના નિયામક કેશવકુમારે ગુજરાત રાજ્યમાં ભ્રષ્ટાચાર નિર્મૂલનની કામગીરી અંગે વિગતવાર માહિતી આપતા પત્રકારોને જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા એન્ટી-કરપ્શન બ્યુરોને આપવામાં આવેલી કાર્ય સ્વતંત્રતા, વૈજ્ઞાનિક-ટેકનિકલ સાધન સહાય અને માનવબળની પૂરતી ઉપલબ્ધતાના કારણે રાજ્યમાં ભ્રષ્ટાચારના ગુનાઓના ઉકેલ તથા કબૂલાતમાં લગભગ બમણો વધારો થવા પામ્યો છે. અગાઉ જે ૨૩%નો કન્વિક્શન રેટ હતો, તે વધીને હવે ૪૧% ઉપર પહોંચ્યો છે.
ખાસ કરીને બેનામી સંપત્તિ (ડિસએપ્રોપીએટ એસેટ)ના કેસો બહાર લાવવામાં એસીબીને ભારે સફળતા મળી છે. આશરે છેલ્લા પાંચ વર્ષના સમયગાળામાં જ ૧૫૦ કરોડ રૂપિયાથી વધુની બેનામી સંપત્તિ એસીબીએ વિવિધ ગુનેગારો પાસેથી શોધી કાઢી છે.
ભ્રષ્ટાચારના કેસો અંગેની આંકડાકીય માહિતી આપતા તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ ૨૦૧૬માં ૨૫૮, વર્ષ ૨૦૧૭માં ૧૪૮, વર્ષ ૨૦૧૮માં ૩૩૨, વર્ષ ૨૦૧૯માં ૨૫૫ અને વર્ષ ૨૦૨૦માં ૧૯૯ કેસો નોંધાયા હતા, જે પૈકી વર્ષવાર અનુક્રમે ૪૩૩, ૨૧૩, ૭૩૦, ૪૭૦ અને ૩૧૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
બેનામી સંપત્તિના કેસોની વિગતમાં તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા આશરે પાંચ વર્ષમાં કુલ રૂા.૧૫૦ કરોડની સંપત્તિ એસીબી દ્વારા શોધી કાઢવામાં આવી છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું હતું કે, ભૂમાફિયા સામે લડાઈ લડવા માટે ગત વર્ષે બનાવાયેલ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અત્યાર સુધીમાં આ કાયદા અંતર્ગત જિલ્લાઓમાં ૬૦૫ અરજીઓ પ્રાપ્ત થઈ છે, જ્યારે ૪૨ અરજીઓ સુઓમોટો મારફત કલેક્ટર દ્વારા પ્રાપ્ત થઈ છે, આમ કુલ ૬૪૭ અરજીઓ ઉપર તપાસ ચાલી રહી છે. આ કાયદા અંતર્ગત ૧૬ એફઆઈઆર નોંધાઈ છે. જેમાં ૧ લાખ, ૩૫ હાજર ચોરસ મીટર જેટલી જમીન ગેરકાયદે પચાવી પડાઈ હોવાનું સામે આવ્યું છે. આ જમીનની હાલના જંત્રીના ભાવ અનુસાર કિંમત જોવા જઈએ તો તે આશરે રૂા.૨૨૦ કરોડની થવા જાય છે.
રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ ગૃહ વિભાગની કામગીરી અંગે જણાવ્યું હતું કે, ‘પાસા’ કાયદામાં સુધારો કરીને તેને વધુ મજબૂત બનાવ્યો છે. ‘પાસા’ લાગુ કરવા માટે હવે જિલ્લા પોલીસ વડા કે કમિશનર કક્ષાએ પ્રસ્તાવ મૂકવામાં આવે છે અને સંબંધિત કલેક્ટરની મંજૂરી બાદ લાગુ કરવાની જોગવાઈ છે.
૩૧/૧૨/૨૦૨૦ સુધીમાં જૂના અને નવા બંને ‘પાસા’ કાયદા હેઠળ ૧૨૪૭ વ્યક્તિઓ સામે કેસ કરવામાં આવ્યા છે. જુગારધારામાં ૯૦ વ્યક્તિઓ સામે, મની લોન્ડરિંગમાં ૧૫, જાતીય સતામણીમાં ૧૫ અને સાઈબર ક્રાઈમ હેઠળ ૯ લોકો સામે ગુનાઓ નોંધવામાં આવ્યા છે.