અમદાવાદ,તા.રપ
રાજયમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે બે દિવસથી વરસી રહેલા વરસાદે ગુરૂવારે પણ અનેક સ્થળોએ ઠંડક પ્રસરાવી હતી. વાત કરીએ છેલ્લા ચોવીસ કલાકની તો રાજયના પ૭ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. અમરેલી જિલ્લાના વડિયા તાલુકામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. જયારે અન્ય તાલુકાઓમાં વરસાદી ઝાપટા તેમજ સામાન્ય વરસાદ નોંધાયો છે. બીજી તરફ અરબી સમુદ્રમાં સાઈકલોનિક સરકયુલેશન ડેવલપ થયું છે. જેની અસર આગામી રથી ૩ દિવસ પછી જોવા મળશે. જેથી આ સપ્તાહમાં વરસાદી માહોલ જોવા મળશે. જયારે મોડાસા, ભિલોડા શહેર પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ ગુરૂવાર બપોર બાદ ભાવનગરમાં જોરદાર બફારા બાદ ધોધમાર વરસાદ તૂટી પડયો હતો માત્ર ૧પથી ર૦ મિનિટના ગાળામાં એક ઈંચ જેટલો વરસાદ ખાબકતા માર્ગો પર નદીઓ જેવું પાણી વહેવા લાગ્યું હતું. જેને પગલેા અનેક વાહનો બંધ થઈ જવા પામ્યા હતા. બીજી તરફ અમરેલીના બાબરાના ધરાઈ ગામે માત્ર એક કલાક જેટલા સમયમાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડતા સ્થાનિક નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી. ભારે વરસાદથી ખેતરો પાણી પાણી થઈ ગયા હતા. બીજી તરફ રાજકોટના મવડીમાં ભારે વરસાદથી પાળ નદીમાં પૂર આવ્યું છે. તેમજ જખરાપીરની નદી ભરાતા લોકો જોવા ઉમટયા છે. જયારે ગઢડા સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો હોવાના અહેવાલો સાંપડયા છે. પંથકમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આજે બીજા દિવસે પણ અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદને પગલે લોકોને અસહ્યા બફારામાં રાહત મળી છે. જયારે હજુ પણ કેટલાક વિસ્તારોમાં નહીવત વરસાદ થયો છે જેને લીધે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. બીજી તરફ હવામાન વિશેની કેટલાક જાણકારોના મત મુજબ જુલાઈ મહિનામાં રાજયમાં અનેક સ્થળોએ ભારે વરસાદ પડવાની શકયતા છે. જુલાઈમાં મેઘો રાજયભરમાં જમાવટ કરશે. તેવી શકયતા સેવાઈ રહી છે એક તરફ ગોંડલમાં વરસાદી માહોલ જામ્યો છે. જયારે બીજી તરફ ગોંડલમાં આવેલ વેરી તળાવ નર્મદાના નીરથી ઓવરફલો થયું છે જયારે આગામી દિવસોમાં રાજયમાં હળવો વરસાદ થાય તેવી શકયતા છે.