પ્રતિકાત્મક તસવીર
 (સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧૯
રાજયમાં નાના-મધ્યમ ઔદ્યોગિક એકમો બંધ થઈ રહ્યા હોવાની વિગતો બહાર આવી રહી છે ત્યારે રાજય સરકાર દ્વારા આ નાના-મધ્યમ-લઘુઉદ્યોગના વિકાસ માટે એક પછી એક નિર્ણય લેવાઈ રહ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રીએ રાજયના આવા માંદા નાના-મધ્યમ ઉદ્યોગ એકમોને પુનઃજીવિત કરવા વીજ દરમાં પ્રતિ યુનિટ રૂા.૧નું રિએમ્બર્સમેન્ટ આપવાનો નિર્ણય લીધો છે સરકાર ચાર વર્ષ માટે ઉદ્યોગોને આ રાહત આપશે અને તેને લઈને સરકાર પર વાર્ષિક રૂા.૩૦ કરોડનો આર્થિક બોજ થશે. મુખ્યમંત્રી સમક્ષ ગુજરાત અને કચ્છ ચેમ્બર્સ ઓફ કોમર્સે માંદા એકમોને પુનઃજીવીત કરવાના હેતુસર રાજય સરકારે આપેલી રાહતોમાં ખાસ કરીને વીજ દરમાં પ્રતિ યુનિટ રિએમ્બર્સમેન્ટ રૂપે રાહત આપવા અવારનવાર રજૂઆતો કરી હતી. આ રજૂઆતોનો સંવેદનાસ્પર્શી પ્રતિસાદ આપીને તેમજ આવા માંદા એકમો ઝડપથી પુનઃજીવિત થાય તો હજારો કામદારોની રોજી-રોટી જળવાઈ રહે તે હેતુસર આવા માંદા એકમોને વીજ દરમાં પ્રતિ યુનિટ રૂા.૧નું રિએમ્બર્સમેન્ટ આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. આ રિએમ્બર્સમેન્ટ ચાર વર્ષના સમયગાળા માટે અપાશે તેમજ આના પરિણામે રાજય સરકાર દર વર્ષે અંદાજ સરેરાશ રૂા.૩૦ કરોડનો આર્થિક બોજ વહન કરશે. મુખ્યમંત્રીએ રાજયમાં ઉદ્યોગો-વેપાર દ્વારા મહત્તમ રોજગારી મળે તેવા ઉદાત અભિગમથી એમએસએમઈ એકમો માટે અનેક પ્રોત્સાહનો, સબસિડી, અગાઉ જાહેર કરેલા છે. હવે તેમણે માંદા-સીક એકમોને પણ ઝડપીથી પુનઃજીવીત થવા પ્રતિ યુનિટ રૂા. ૧ પ્રમાણે વીજ રિએમ્બર્સમેન્ટ આપવાનો અભિગમ અપનાવી વધુ એક રાહતની જાહેરાત કરી છે.