(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૨૬
સમગ્ર રાજ્યમાં “નલ સે જલ” યોજના હેઠળ દરેકને શુદ્ધ પાણી આપવાની યોજનાની એક તરફ મોટી વાત કરાય છે અને સાથે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું હોવાની ગુલબાંગો ભાજપ સરકાર દ્વારા પોકારવામાં આવે છે, ત્યારે બીજી તરફ રાજ્યની ખરી સ્થિતિ કંઈક ઓર જ હોય તેવું બહાર આવી રહ્યું છે. રાજ્યના આઠ જિલ્લાના રપ૮ ગામડાઓમાં તો પાણીનો કોઈ જ સ્ત્રોત ન હોવાનું ખુદ સરકારી દફતરેથી બહાર આવ્યું છે. એટલું જ નહીં રાજ્યના તમામ ૩પ૯૯૬ રહેવાસોને પાણી સરળતાથી મળી રહેતું હોવાના સરકારી દાવાની પણ પોલ ખૂલી જવા પામી છે.
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા એટલે કે ઝ્રછય્ દ્વારા ગુજરાત સરકારના જળ સંસાધન વિભાગના કરાયેલા ઓડિટનો અહેવાલ આવ્યો છે જેમાં ગુજરાત સરકારના ઘણા દાવાઓની પોલ ખુલી ગઈ છે. આ ઓડિટ ૨૦૧૩-૨૦૧૮ના આંકડાઓ માટે કરવામાં આવ્યો હતો. જેમાં વિગતો બહાર આવી છે કે ગુજરાતમાં ૧૭,૮૪૩ ગામડા છે. આ પૈકી ૮૯૪૭ એટલે કે આશરે અડધા ગામડા નર્મદા કેનાલ અને તેને લગતા પ્રોજેક્ટ્‌સ દ્વારા પાણી મેળવે છે. ગુજરાત સરકારનો દાવો છે કે રાજ્યના તમામ ૩૫,૯૯૬ રહેવાસોને પાણીનો પુરવઠો સરળતાથી મળી રહે છે. આ દાવાને ઝ્રછય્એ ફગાવી દીધો છે. જયારે કુટુંબને તેના ઘરથી ૧૦૦ મીટરના વિસ્તારમાં દરરોજ ૪૦ લીટર પ્રતિ વ્યક્તિ કે તેથી વધુ પ્રમાણમાં પાણી મળી રહે તેનેસંપૂર્ણ આવરી લેવાયેલ કુલ્લી કવર્ડ કહેવાય છે. સરકારનો દાવો હતો કે રાજ્યના તમામ ૩૫,૯૯૬ રહેવાસો પાણીના પુરવઠા માટે આંશિક આવરી લેવાયેલ છે. આ દાવા સામે ઝ્રછય્એ રાજ્યના ટેસ્ટ માટે લીધેલા ૭૮ રહેવાસોમાંથી ફક્ત ૪૧ રહેવાસોને એટલે કે ફક્ત ૫૩% રહેવાસોને પાણી પુરવઠા માટે ફુલ્લી કવર્ડ ગણ્યા છે. અને બાકીના ૩૭ રહેવાસોને આંશિક આવરી લેવાયેલ ગણ્યા છે. આંશિક આવરી લેવાયેલ રહેવાસોમાં પ્રતિ દિન પ્રતિ વ્યક્તિ ૧૦થી ૪૦ લીટર જેટલું જ પાણી મળે છે. જો ૭૮ માંથી અડધાથી વધુ રહેવાસોમાં આ હાલત છે તો રાજ્યના તમામ ૩૬,૦૦૦ રહેવાસોમાં શું સ્થિતિ હશે તે ચિંતાજનક છે. ઝ્રછય્એ નોંધ્યું છે કે તેમણે ટેસ્ટ લીધેલા ૮ જિલ્લાના ૨૩૫૨ ગામડા જે વિવિધ ૯૧ રૂરલ વોટર સપ્લાય સ્કીમની અંદર આવતા હતા તેમાંથી ૨૩૫૨ ગામડામાંથી ફક્ત ૧૫૮૭ ગામડાને જ રૂરલ વોટર સપ્લાય સ્કીમ અંતર્ગત પાણી મળી રહ્યું છે. બાકીના ૭૬૫ ગામડામાંથી ૨૫૮ ગામડા પાસે તો કોઈ પાણીનો સ્ત્રોત જ નથી. આ પાછળ ડેમેજ થયેલી પાઇપલાઇન્સ, પાણીનું ખામીપૂર્વક વિતરણ અને નજીકમાં કોઈ જળ સ્ત્રોત ન હોવો જવાબદાર છે. વળી જે રહેવાસોમાં રૂરલ વોટર સપ્લાય સ્કીમ અંતર્ગત પાણી મળી રહ્યું છે તેમાં પણ ડખા સામે આવ્યા છે. જેમ કે ભરૂચ જિલ્લાના દેવલા રહેવાસમાં આ યોજના હોવા છતાં દર ૧૫ થી ૨૦ દિવસે એક વાર પાણી આવે છે. આ ઉપરાંત જામનગરના રણજિતપરા રહેવાસમાં આ યોજના હોવા છતાં ટાંકાની હાઈટ ઓછી પાણી મળતું નથી. ઝ્રછય્ દ્વારા જે ટેસ્ટ જિલ્લાઓમાં વોટર સપ્લાય સ્કીમ્સની ચકાસણી થઇ તેમાં ૩૭૭ વોટર સપ્લાય સ્કીમ્સ નોન ફંક્શનલ એટલે કે બંધ થઇ ગયેલી માલુમ પડી હતી. જયારે સરકારી ચોપડે આ ૩૭૭ પૈકીની ફક્ત ૭૬ સ્કીમ્સ એટલે ૨૦% સ્કીમ્સને બંધ દેખાડવામાં આવી હતી. રાજ્યમાં કુલ ૯૩ હજારથી વધુ વોટર સપ્લાય સ્કીમ્સ ચાલે છે. જો તે પૈકી કેટલી સ્કીમો નોન ફંક્શનલ છે તે સરકારી ચોપડે નોંધાતું નથી તેમ સાબિત થાય છે. જેની કેગ અહેવાલમાં નોંધ લેવાઈ છે.