(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૬
ગુજરાતમાં જૂન મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદ વરસ્યા બાદ હવે મેઘરાજાની સત્તાવાર પધરામણી થઈ ચૂકી છે. છેલ્લા ત્રણેક દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ ભારે જમાવટ કરતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. જામનગરના કાલાવડમાં આજે દિવસ દરમિયાન ૧૧ ઈંચથી વધુ વરસાદ તૂટી પડતાં ચોતરફ પાણી જ પાણી થઈ ગયા હતા. જ્યારે ખંભાળિયામાં ર૪ કલાકમાં ૧૯ ઈંચ જેટલો વરસાદ પડી જતાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ સર્જાઈ છે.
રાજ્યના ર૦૩ તાલુકામાં આજે દિવસ દરમિયાન ૧થી ૧૧ ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધુ જામનગરના કાલાવડમાં ર૮૦ મી.મી., રાજકોટના પડધરીમાં ૧૬૯ મી.મી., રાજકોટમાં ૧૬૦ મી.મી., ધ્રોલમાં ૧૬૪ મી.મી., ભચાઉમાં ૧૬૪ મી.મી., લાલપુરમાં ૭૦ મી.મી., જામનગરમાં ૬૯ મી.મી., જાફરાબાદમાં ૬પ મી.મી., ટંકારામાં ૭પ મી.મી., ગીર-ગઢડામાં ૬૧ મી.મી., જોડીયામાં પ૭ મી.મી., જામકંડોરણામાં પ૩ મી.મી., જામજોધપુરમાં અને લોધિકામાં પ૦-પ૦ મી.મી. વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત આજે સાંજે ચાર વાગ્યા સુધી પલસાણા, હળવદ, ગાંધીધામ, જલાલપોર, ચોટીલા, વાગરા, ભાણવડ, માળિયા મિયાંણા, નવસારી, રાણાવાવ, અંકલેશ્વર, મોરબી, પાદરા, ખેડા, અંજાર, માણાવદર, રાપર, ખાંભા, વિસાવદર, ધ્રાંગધ્રા, વડોદરા, વાપી, વેરાવળ, કોડીનાર અને કરજણ સહિત રપથી વધુ તાલુકામાં ૧ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો જ્યારે હાંસોટ, ચીખલી, જસદણ, સુરત, ભાવનગર, બરવાળા, સંખેડા, સુબરી, માંડવી, કાલોલ સહિતના ૧ર જેટલા તાલુકામાં ૧ મી.મી.થી ૧ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગલે રાજ્યમાં એનડીઆરએફની સાત ટીમો તૈયાર કરવામાં આવી છે. કચ્છમાં એનડીઆરએફની એક ટુકડી તહેનાત કરાઈ છે. ઉપરાંત પોરબંદરમાં પણ એનડીઆરએફની ટીમ પહોંચી ગઈ છે. ભારે પવન અને વરસાદની આગાહીને લઇને ૨૫ સભ્યોની એક એનડીઆરએફની ટુકડી રેસ્ક્યુ સહિતની જરૂરી સામગ્રી લઇને પોરબંદર પહોંચી છે. ખંભાળિયામાં પણ સુરક્ષાના હેતુસર એનડીઆરએફની ટીમને તહેનાત કરવામાં આવી છે. ઉપરાંત રાજકોટ, વલસાડ, નવસારી અને સુરતમાં પણ તહેનાત કરાઈ છે. સૌરાષ્ટ્ર કચ્છમાં સાર્વત્રિક વરસાદથી રાજુલાનો ધાતરવડી ડેમ નંબર ૧ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે.
તો માળીયા હાટીનામાં મેઘલ નદીમાં નવા નીરની આવક થઇ છે. ભાખરવડ ડેમમાં નવા નીર આવતા ૬૫ ટકા ડેમ ભરાઈ ગયો છે. તો આ ઉપરાંત જૂનાગઢ જિલ્લાનો સૌથી મોટો ઓઝત-૨ ડેમ ઓવરફ્લો થયો છે. જેને પગલે આણંદપુર નજીક આવેલ ઓઝત-૨ ડેમના ત્રણ દરવાજા ૬ ફૂટ ખોલવામાં આવ્યા આવ્યાં છે. જૂનાગઢમાં પહેલા વરસાદમાં જ વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થતાં જૂનાગઢવાસીઓમાં ખુશીની લહેર વ્યાપી ગઇ છે. તો ભારે વરસાદના પગલે કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જળબંબાકાર થયો છે. હજારો હેક્ટર મગફળીનો પાક પાણીમાં ડૂબ્યો છે.
ગીર સોમનાથના ઊના દરિયા પટ્ટીનું માણેકપુર ગામ સંપર્ક વિહોણુ બન્યું હતુ. પોરબંદરથી પરણવા આવેલા જાનૈયા ફસાઇ ગયા હતા. બે વર્ષ પહેલા વરસાદના લીધે આ ગામમા તારાજી સર્જાઇ હતી. ત્યારે ગીર ઉપરવાસમાં ભારે વરસાદના લીધે માણેકપુરથી પસાર થતી રાવલ નદીમાં ઘોડાપૂર આવ્યું હતુ. માણેકપુર ગામની રાવલ નદીના ધસમસતા પ્રવાહમા એક ગાય તણાઈ હતી. રાવલ નદીમાં ઘોડાપુર આવતા એક ગાય તણાઈ ગઈ હતી.

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે અનેક ડેમ ઓવરફ્લો : અનેક હજી તૈયારીમાં

અમદાવાદ, તા.૬
રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ મહેર વરસાવતા પહેલાં વરસાદમાં જ અનેક ડેમ ઓવરફ્લો થતાં સ્થાનિક પ્રજામાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. જંગલ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે, તો માળિયા હાટીના તાલુકામાં મેઘલ નદી ઉપર આવેલ ભાખરવડ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. જિલ્લાનો સૌથી મોટો ઓઝત-૨ ડેમ ઓવરફ્લો થયો છે જેને પગલે આણંદપુર નજીક આવેલ ઓઝત-૨ ડેમના ત્રણ દરવાજા ૬ ફૂટ ખોલવામાં આવ્યા આવ્યા છે. ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવતા હેઠવાસમાં આવતા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે ગીરગઢડા સહિત ઉપરવાસમાં સારા વરસાદના પગલે રાવલડેમ છલોછલ થયો. આશરે ૯૫ ટકા ડેમ ભરાયો છે જેથી રાવલડેમના ૬ પૈકી ૪ દરવાજા બે-બે ફૂટ ખોલવાની ફરજ પડી. ડેમના દરવાજા ખોલવામાં આવતા રાવલ નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનો વેણુ-૨ ડેમ ઓવરફ્લો થયો છે જેના કારણે ડેમના ૨૦ પૈકી ૮ દરવાજા ખોલવામાં આવ્યા છે. સાથે જ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. જામનગર જિલ્લામાં અનરાધાર વરસાદને પગલે જિલ્લાના ત્રણ ડેમ છલકાઈ ગયા છે. ત્યારે જામનગરની જીવાદોરી સમાન રણજિત સાગર ડેમમાં પણ પાણીની સારી એવી આવક થઈ છે આવતીકાલ સુધીમાં ડેમ છલકાઈ જવાની સંભાવના સેવાઈ રહી છે. જામનગરની જીવાદોરી સમાન ઉન્ડ એક ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા હતા. બીજી તરફ જામજોધપુર તાલુકાના ફુલઝર કોબા ડેમના ૬ દરવાજા ખોલવામાં આવ્યા છે. સાથે જ તાલુકાના નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે. આ બાજુ પોરબંદરના ફોદરા અને સોરઠી ડેમમાં પાણીની વ્યાપક આવક થઇ. બરડા પંથકના બંને ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. બરડા પંથકના બંને ડેમના પાણી ખેતરોમાં ફરી વળ્યા જેના લીધે ખેતરોનું ભારે ધોવાણ થયું છે. અમરેલી જિલ્લાના રાજુલાનો ધાતરવડી ડેમ નંબર-૧ ઓવરફ્લો થવાની તૈયારીમાં હોવાથી ધારેશ્વર, જાપોદર, નવી માંડરડી, જૂની માંડરડી રાજુલા શહેર સહિતના વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા હતા. માણાવદર શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭ ઈંચથી વધુ તથા તાલુકામાં સર્વત્ર આઠથી દસ ઈંચ વરસાદ પડતાં બાટવા ખારા ડેમના છ દરવાજા બે-બે ફૂટ ખોલવામાં આવ્યા છે.

આગામી આઠ જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ, તા.૬
ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે ત્યારે આગામી ૩ દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘કચ્છ અને તેની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. હવે તે આગામી ૨૪ કલાકમાં વધુ સક્રિય થશે. મોન્સૂન ટ્રો કચ્છ, અમદાવાદમાંથી પસાર થઇ રહ્યું છે. જેના પગલે આગામી ૩ દિવસ વરસાદનું પ્રભુત્વ રહેશે. આવતીકાલે જે જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે તેમાં અમદાવાદ-કચ્છ-ભરૂચ-સુરત-નવસારી-વલસાડ-રાજકોટ-અમરેલી-ભાવનગરનો સમાવેશ થાય છે.’ રદીવ, પોરબંદર, જામનગર, અમરેલી, મોરબી, કચ્છ, દ્વારકામાં પણ ભારે વરસાદની આગાહી છે. મંગળવારે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેશે. ૮ તારીખ બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. આગામી ૮ જુલાઇ સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે ૫૦થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. જેના પગલે માછીમારોને આગામી ૯ જુલાઇ સુધી દરિયો નહીં ખેડવા સૂચના અપાઇ છે. અમદાવાદમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ સિસ્ટમ વેલ માર્કો લો પ્રેશર અને સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાથી સૌરાષ્ટ્રમાં બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે.