અમદાવાદ,તા.૧૩
રાજયમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી સાચી ઠરી રહી છે. રાજયમાં અનેક સ્થળોએ ધોધમાર વરસાદ વરસી રહ્યાના અહેવાલો સાંપડયા છે. અમુક જિલ્લાઓમાં તો ૬ ઈંચ જેટલો વરસાદ ખાબકયો છે. સવારથી સાંજના સમયગાળામાં રાજયના ર૧૯ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની લખતરમાં સૌથી વધુ આઠ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. વઢવાણમાં પાંચ ઈંચ, ધ્રાંગધ્રામાં સાડા ચાર ઈંચ અને દસાડામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના ૩ર તાલુકાઓમાં સામાન્યથી આઠ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદને પગલે અનેક સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં ૭ ઈંચ જયારે માંડવીમાં ૬ ઈંચ અને ખેરગામમાં પાંચ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે રાજયના ૮૦ તાલુકાઓમાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ લોપ્રેશર અને સાયકલોનિક સરકયુલેશન સક્રિય થયું છે. જેના કારણે આગામી પ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વળી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ બનશે. ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહીને જોતા એનડીઆરએફની ૧૩ ટીમો રાજયનાં અલગ અલગ સ્થળો પર તૈનાત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે ૧૪ એનડીઆરએફની ટીમોને અલગઅલગ જિલ્લામાં સ્ટેન્ડ ટુ કરાઈ છે. ગુજરાતમાં ર૧ ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, પોરબંદર, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, વલસાડ, નવસારી જિલ્લાઓમાં એનડીઆરએફની ટુકડી તૈનાત કરાઈ છે. સાથે જ વડોદરા હેડ કવાર્ટર પર પણ એક ટીમ તૈનાત રહેશે. આ વખતે એનડીઆરએફની ટીમના મેમ્બરોને મગરોની વચ્ચે પણ લોકોને કેવી રીતે બચાવવા અને મગરોનું રેસ્કયુ કેવી રીતે કરવું તે અંગેની તાલીમ આપવામાં આવી છે. જેથી આ વખતે એનડીઆરએફની ટીમો મગર વચ્ચે પણ કોઈપણ જાતના ભય વિના કામ કરી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ભારે પૂરના કારણે એનડીઆરએફની ટીમોને મગરનો પણ સામનો કરવો પડયો હતો. મગરોના હુમલાની દહેશત વચ્ચે લોકોને રેસ્કયુ કરવાની ફરજ પડી હતી.
Recent Comments