(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૬
રાજ્યમાં કોરોનાની મહામારીને લઈ સરકાર દ્વારા વિવિધ વ્યવસ્થાઓ ઊભી કરવા સાથે પગલાં લેવામાં આવી રહ્યા છે. રાજ્યમાં વેન્ટીલેટરના ઉત્પાદનની સફળતા બાદ હવે કોરોના સામેની લડતમાં જરૂરી એવા પર્સનલ પ્રોટેકશન ઈક્વિપમેન્ટ (પીપીઈ) અને એન-૯પ માસ્કનું પણ ઉત્પાદન રાજ્યમાં શરૂ કરી દેવાયું હોવાની જાહેરાત આજે સરકાર તરફથી કરાઈ હતી. આ સાથે રાજ્યમાં કોરોના માટે ચાર મહાનગરો બાદ હવે ર૯ જિલ્લામાં ૧૦૦ બેડની કોવિડ હોસ્પિટલ તત્કાલ ઊભી કરવા ત્રણ સચિવોને જવાબદારી સોંપવામાં આવી છે.
રૂપાણીએ કોરોના સંક્રમણને અટકાવવા સાથે સાથે આ રોગની સારવાર માટેના સાધનો રાજ્યમાં બને તથા ગુજરાત આ વિકટ પરિસ્થિતિ વેળા દેશનું રાહબર બને તે માટે તમામને પ્રેરિત કર્યા હતા. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અંગેની વિગત આપતા કહ્યું હતું કે, કોરોનાના રોગગ્રસ્તોની સારવારમાં રોકાયેલા તબીબો, મેડિકલ સ્ટાફને પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટનો ચોક્કસ ઉપયોગ કરવો પડે છે. વિશ્વભરમાં તેની માંગ વધી રહી છે ત્યારે આવા સાધનો વધારવામાં આવી રહ્યા છે. રાજ્યમાં બે કંપની દ્વારા ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. તબીબોને સેલ્ફ સેફ્ટી માટે એન-૯૫ માસ્કની જરૂર રહે છે. આ એન-૯૫ માસ્કનું ગુજરાતમાં ઉત્પાદન કરવા માટે આઈઆઈટી કાનપુર પાસેથી ટેકનોલોજી ટ્રાન્સફર દ્વારા ચાંગોદરમાં એક કંપની દરરોજ રપ હજાર માસ્કનું ઉત્પાોન કરે છે તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યના ચાર મહાનગરોમાં કોરોના હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. હવે રાજ્યના ૨૯ જિલ્લા મથકોમાં ૧૦૦ બેડની કોવિડ હોસ્પિટલ ત્રણ ચાર દિવસમાં જ શરૂ થાય તેવી વ્યવસ્થા થઇ રહી છે. આની સંપૂર્ણ દેખરેખ અને વ્યવસ્થા માટે ત્રણ વરિષ્ઠ સચિવોની કમિટિને જવાબદારી સોંપવામાં આવી છે. આ સંદર્ભમાં વન પર્યાવરણના અધિક સચિવ રાજીવકુમાર ગુપ્તાના નેતૃત્વમાં અગ્રસચિવ જેપી ગુપ્તા અને મુકેશકુમારને જવાબદારી સોંપવામાં આવી છે.