અમદાવાદ, તા.ર
રાજ્યમાં નિસર્ગ વાવાઝોડાની અસરને પગલે હવામાનમાં પલટો આવ્યો છે તો બીજી તરફ પ્રિ-મોનસૂન એક્ટિવિટી પણ જોવા મળી રહી છે જેને પગલે છેલ્લા ર૪ કલાકમાં રાજ્યના ર૯ તાલુકાઓમાં સામાન્યથી બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. છેલ્લા બે દિવસથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આવેલા હવામાનના પલટા વચ્ચે છેલ્લા ર૪ કલાકમાં રાજ્યના ૧પ જિલ્લાઓના ર૯ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો જેમાં વાલોડમાં ૬૦ મી.મી., ભાવનગરમાં રપ મી.મી., ધારીમાં ર૪, મહુવામાં રર, લીલિયામાં ર૦, વ્યારામાં ૧૯, દહેગામમાં ૧૭, કડાણામાં ૧૭, ડાંગમાં ૧૭, ખેડામાં ૧ર, માંડવીમાં ૧ર, કપરાડામાં ૧ર ઉપરાંત ૧પ જેટલા તાલુકાઓમાં ૭થી ૧ મી.મી. જેટલો વરસાદ નોંધાયો છે. તાલાલાગીર પંથકમાં મંગળવારે માત્ર એક કલાકમાં ૧ ઈંચ જેટલો વરસાદ પડતાં માર્કેટ યાર્ડમાં રપ હજાર જેટલા કેસર કેરીના બોક્સ પલળી જતાં ખેડૂતો અને વેપારીઓને મોટો ફટકો પડયો છે જ્યારે અન્ય સ્થળોએ પણ કેરીના પાકને મોટું નુકસાન થયું છે. વળી પવનને કારણે મોટા પ્રમાણમાં કેરી આંબા પરથી ખરી પડી હતી એ પણ નુકસાન ગયું છે. જેને પગલે કેરીના ભાવમાં ઉછાળો આવશે. આ ઉપરાંત ઉનાળુ પાકને ભારે નુકસાન જવાની શક્યતા છે. એક તરફ લોકડાઉન કેરી પકવતા ખેડૂતો માટે ચિંતાજનક બન્યું હતું તો બીજી તરફ વાવાઝોડાને કારણે કુદરત પણ જાણે ખેડૂતોથી રૂઠી ગઈ હોય એવું લાગી રહ્યું છે જ્યારે રાજ્યમાં પાલીતાણા, વડોદરા સહિત કેટલા સ્થળોએ વીજળી પડવાના કારણે જાનમાલની નુકસાની થયાના અહેવાલો સાંપડયા છે. આમ ચોમાસા પૂર્વ જ રાજ્યમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થયો હતો ત્યારે આગામી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.