અમદાવાદ,તા.૪
રાજ્યમાંથી શિયાળાની લગભગ વિદાય થઈ ચૂકી છે. હવે રાત્રે પણ ઠંડી ઘટી ગઈ છે અને પંખા, એ.સી. ચાલુ કરવાની જરૂર પડી રહી છે. બીજી તરફ તાપમાનનો પારો ૩૪ ડિગ્રીની નજીક રહેતા ગરમી પણ શરૂ થઈ ગઈ છે ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે.
છેલ્લા થોડા દિવસથી ઠંડી એકદમ જતી રહી છે અને એકદમ ગરમી ચાલુ થઇ ગઇ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યનાં કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગની આગાહીથી રાજ્યના ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. આ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે કે, ૫ માર્ચનાં રોજ રાજ્યનાં વાતાવરણમાં પલટો આવશે. આ સાથે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. બનાસકાંઠા અને વલસાડમાં હળવા છાપટાં પડવાની શક્યતાઓ છે.
હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે, લો-પ્રેશરની સ્થિતિ સર્જાતા ૫મી માર્ચના રોજ એટલે આવતી કાલે રાજ્યનાં કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે. ૫મી માર્ચના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર અને કચ્છ વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. જોકે, બીજા દિવસે ૬ માર્ચના રોજ પણ આ વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. ડાંગના ગિરિમથક સાપુતારાના હવામાનમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ પણ સાપુતારામાં જોવા મળી રહ્યો છે. ઠંડા પવનનાં કારણે વહેલી સવારથી સાપુતારા ઠંડુગાર બન્યુ. ત્યારે અહલાદક વાતાવરણના કારણે સાપુતારાની મુલાકાતે આવતા પ્રવાસીઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.
જો માવઠું વધારે થશે તો રવિ પાકને પારવાર નુકશાન થઈ શકે છે. રવિ પાક ઉપરાંત કેરીમાં પણ નુકશાની થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. લાંબુ ચોમાસું અને કમોસમી વરસાદના કારણે અગાઉથી જ ખેડૂતોની સ્થિતિ ખરાબ હતી આમ ફરીથી જો કમોસમી વરસાદ પડે તો ખેડૂતોને રોવાનો વારો આવે તેવી વકી છે.