અમદાવાદ, તા.૧૮
રાજ્યમાં એક તરફ કોરોનાનો કહેર છે. કાળઝાળ ગરમી પોતાનું જોર બતાવી રહી છે, ત્યારે સોમવારના રોજ વાતાવરણમાં પલટો આવતા સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, બોટાદ સહિત કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. કમોસમી વરસાદને પગલે રાજ્યના ખેડૂતોની સાથે સાથે સરકારની ચિંતામાં પણ વધારો થયો છે, જ્યારે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે, જ્યારે અમદાવાદ, વડોદરા, નર્મદા, ખેડામાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે, જ્યારે તાપી, વલસાડ, નર્મદા, અમરેલી, સુરેન્દ્રનગર, જામનગર અને ભાવનગર સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સોમવારના રોજ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યા બાદ બનાસકાંઠામાં ડીસા સહિત આસપાસના વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટાં તો ક્યાંક વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે, બીજી તરફ સાબરકાંઠામાં પણ ક્યાંક વરસાદી ઝાપટાં થયાની વિગતો સાંપડી છે. બીજી તરફ બોટાદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. બરવાળામાં વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે, ત્યારે આગામી ૭ર કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.